રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસ.વી.પી.આઇ.) એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. પૂર્વે રિલાયન્સ દ્વારા વર્ષ 2018માં ‘ધ ગીર’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે તેને ડિપાર્ચર વિસ્તારની બહાર ખસેડીને તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, જેથી માત્ર મુસાફરો જ નહીં પરંતુ તેમને લેવા માટે આવતા લોકોને પણ તેનો લાભ મળી રહે. વન્યજીવ પ્રેમી, રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણી દ્વારા અદાણી એરપોર્ટ હોલ્ડીંગના ડાયરેક્ટર જીત અદાણી અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના પ્રેસિડેન્ટ હેમંત દેસાઈની ઉપસ્થિતિમાં ગુજરાતના સ્થપના દિવસ પ્રસંગે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આર.આઇ.એલ. સામાજિક વિકાસનાં કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 8000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ, અજગર, વગેરેની પૂર્ણ કદની આશરે 60 પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. પ્રસિધ્ધ ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે તેથી તેની પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સૂકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ એરપોર્ટના સૌંદર્યકરણ માટે રિલાયન્સે ઘણો જ મહત્વનો ફાળો આપ્યો છે. ધ ગીર પ્રોજેક્ટથી એરપોર્ટની સુંદરતામાં વધારો થશે અને સાથે-સાથે એરપોર્ટની મુલાકાત લેનારા લોકોને મનોરંજન સાથે માહિતી મળશે.