દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ સલાહકાર સમિતિની એક બેઠક ગઈકાલે શુક્રવારે બપોરે જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં શહેરને લગતા વિવિધ પ્રશ્ર્નો મુદ્દે રજૂઆતો તેમજ ચર્ચાઓ કરવામાં આવી હતી. ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ ખાતે ગઇકાલે શુક્રવારે યોજવામાં આવેલી પોલીસ સલાહકાર સમિતિની બેઠકમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં શિરદર્દ સમાન ટ્રાફિક પ્રશ્ર્ન ઉપરાંત નગરપાલિકાને લગતા પ્રશ્ર્નોને કારણે ઉપસ્થિત થતી સમસ્યાઓના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. ખંભાળિયાના મહત્વના એવા જોધપુર ગેઈટ, રાજડા રોડ, મેઈન બજાર વિગેરે વિસ્તારમાં અવારનવાર ઉપસ્થિત થતા ટ્રાફિકના પ્રશ્ર્નો તથા ટ્રાફિક જામની સમસ્યાને નિવારવા બપોર સુધીના સમયગાળામાં આ વિસ્તારોમાં વધારાનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં મુકવામાં આવે તેવી રજૂઆત અહીંના પીઢ આગેવાન મહેન્દ્રભાઈ જોષી દ્વારા કરવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા વાહનો મારફતે હાથ ધરવામાં આવતા પોલીસ બંદોબસ્ત શહેરમાં અન્ય વિસ્તારો તેમજ બજારોમાં પણ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરાઇ હતી. આ સાથે નગરપાલિકાની ગટર યોજનાને લીધે લોકોને થતી હાલાકી તથા તેના કારણે ઉપસ્થિત તથા ટ્રાફિકના મુદ્દે પણ મહેન્દ્રભાઈ જોષી દ્વારા રજૂઆતો થઇ હતી. શહેરમાં ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે નક્કર પગલાં લેવા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય તથા પત્રકાર કુંજન રાડિયા દ્વારા પણ રજૂઆત કરાઇ હતી.
શહેરની શાળાઓ નજીક ધમધમતી રેંકડીઓ તથા લારીઓના કારણે વાલીઓ તથા વિદ્યાર્થીઓને ભારે હાલાકી થતી હોય, આ મહત્વના મુદ્દે ઉકેલ લાવવા અહીંના આર.ટી.આઈ. એક્ટીવીસ વિજયભાઈ કટારીયા દ્વારા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત શહેરમાં એસટી બસના હોલ્ટ તથા નગર ગેઈટ ટાવરથી શાક માર્કેટ સુધી લારીઓના ગેરકાયદેસર ડેરા-તંબુના મુદ્દે પણ તાકીદે નિવારણ લાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા તથા આર.એ.સી. જાનીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ બેઠકમાં અહીંના ડી.વાય.એસ.પી. નીલમબેન ગોસ્વામી દ્વારા જરૂરી ચર્ચા વિચારણા કરી અને ઉપરોક્ત મુદ્દે તાકીદે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું હતું. ટ્રાફિક નિયમન સંલગ્ન જરુરી કામગીરી કરવા તથા રખડતા ઢોર સહિતના મુદ્દે નગર પાલિકા તંત્રને પણ તાકીદ કરી, યોગ્ય પગલા લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી જાડેજા દ્વારા સૂચના આપવામાં આવી છે.ખ આ બેઠકમાં સલાહકાર સમિતિના મનિષાબેન ત્રિવેદી, ઉષાબેન બોડા, ગોપાલભાઈ કણજારીયા, વિગેરે સાથે અહીંના એસટી ડેપો મેનેજર, પાલિકાના પૂર્વ સદસ્યા જયશ્રીબેન ધોરીયા વિગેરે જોડાયા હતા.