જામનગર પોલીસ દ્વારા 21થી 25 એપ્રિલ દરમિયાન ચલાવવામાં આવેલી દારૂ-જુગારની પ્રવૃત્તિ તેમજ મોટર વ્હીકલ એકટના ભંગ વિરુધ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશમાં દેશી દારુના 168 કેસ, અંગ્રેજી દારુના 13 કેસ, જુગારના 12 કેસ, ટ્રાફિક નિયમ ભંગના 102 કેસ કરવામાં આવ્યા હતાં.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા જિલ્લામાં પાંચ દિવસની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જયેશ ચાવડા અને કે.આઇ. દેસાઇના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં અંગ્રેજી દારુની હેરાફેરી અને વેચાણ કરતાં ઇસમો પર દરોડા પાડી 72 બોટલ કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત દેશી દારુની ભઠ્ઠીઓ અને વેચાણ કરતાં તત્વો સામે કડક કાર્યવાહી કરી 168 કેસો કરવામાં આવ્યા હતાં. જ્યારે 833 લિટર દારુ કબજે કરવામાં આવ્યો હતો. ઉપરાંત દેશી દારુનો નશો કરીને જાહેરમાં ફરતાં 52 શખ્સોને પકડી લેવામાં આવ્યા હતાં.
જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે જુગારધારા અંતર્ગત કુલ 12 કેસ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ અંગે ઝુંબેશ ચલાવાવમાં આવી હતી. જેમાં નંબર પ્લેટ વગરના વાહનો અને કાળાકાચ વાળા 76 જેટલા વાહન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત જોખમી રીતે વાહન ચલાવતાં તેમજ આધાર-પુરાવા વગર વાહન ચલાવતાં 102 વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યાનુસાર શહેર અને જિલ્લામાં દારુ-જુગારની પ્રવૃત્તિને શખ્ત હાથે ડામી દેવા માટે આવી પ્રવૃત્તિઓ કરનારા ઇસમો પર વોચ રાખવાની સૂચના આપવામાં આવી હતી.