જામનગર માજી સૈનિક તથા શહિદ થયેલા માજી સૈનિકોની પત્નીઓને કેન્ટિનમાં તથા મેડિકલમાં થતા અન્યાય બાબતે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા 31 ઇન્ફ્રેન્ટ્રી બ્રિગેડ સોમનાથ ગેઇટ જામનગર ખાતે ધરણાં કરવામાં આવ્યા હતા.
માજી સૈનિકો તથા તેમના પરિવારોને મળતાં કેન્ટિન તેમજ ઇસીએચએસ (મેડિકલ)ની સુવિધાઓના લાભથી વંચિત રાખવામાં આવે છે. આ અંગે અગાઉ જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ અંગે કોઇ નિરાકરણ આવ્યું નથી. જિલ્લા સૈનિક બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. તેમાં પણ કમાન્ડર દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોય હાલાર જિલ્લા માજી સૈનિક મંડળમાં નારાજગી છવાઇ હતી. સીએસટી કેન્ટિન અને મેડિકલની સુવિધામાં થતી હેરાનગતિના વિરોધમાં આજરોજ હાલાર જિલ્લા માજી સેનિક મંડળ જામનગર દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. જેમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાની આગેવાની હેઠળ માજી સૈનિકો અને તેમના પરિવારો જોડાયા હતા.