મોંઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતિ, પેપરલીક કૌભાંડ તેમજ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ સહિતના વિવિધ કારણોને ધ્યાને લઇ ગુજરાત કોંગ્રેસના માર્ગદર્શન અનુસાર આજરોજ જામનગર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો, સંવિધાન બચાવોની માગ સાથે મૌન ધરણા, વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હાલમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો, મોંઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતિ, પેપરલીક કૌભાંડ સહિતની અનેકવિધ સમસ્યાઓથી પ્રજા ઘેરાયેલી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજા વિરોધી નીતિના આક્ષેપ અને સરકાર દ્વારા વિરોધ કરનાર સામે કાયદાનો ગેરકાયદેસર ઉપયોગ કરાતો હોવાનું જણાવી ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણીની ધરપકડને ગેરકાયદેસર ગણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરના આદેશ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયાની સૂચનાથી જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ લાલબંગલા સર્કલ ખાતે લોકશાહી બચાવો, સંવિધાન બચાવોની માગ સાથે મૌન ધરણા વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ તકે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), જામ્યુકો વિરોધપક્ષ નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, કોંગ્રેસ અગ્રણીઅ સહારાબેન મકવાણા, કર્ણદેવસિંહ જાડેજા, સાજિદ બ્લોચ સહિતના કોંગ્રેસના હોદ્ેદારો, કાર્યકરો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.