જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં આવેલી લક્ષ્મી ભુવન નામની કિંમતી મિલકત અંગે મિલકતના વારસદારો વચ્ચે સને 1974ની સાલમાં અદાલતમાં વિવાદ ચાલતો હતો. જે વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ પેન્ડીંગ હતી જે અપીલના ગુજરાત હાઇકોર્ટ દદ્વારા એવા પ્રકારનો હુકમ ફરમાવવામાં આવેલ કે, આ જગ્યાનો કોઇપણ હિસ્સેદાર પોતાનો હિસ્સો કોઇપણ વ્યક્તિને વેચી શકશે જે હુકમના આધારે ફરિયાદી જયસિંહ મોરારજી આશર દ્વારા તા. 5-2-2008ના રોજ પોતાનો હિસ્સો જામનગરના મિલકત નંદા, હરીશ નંદા, વિનોદ કેશવજી નંદા તથા દિપક કેશવજી નંદાને વેચાણ કરવામાં આવેલ જે વેચાણની અન્ય વારસદારો વિજયસિંહ માધવસિંહ, ઇન્દ્રસિંહ માધવદાસ, સુરેન્દ્ર માધવદાસ, મહેશ માધવદાસ, કિશન માધવદાસ, અંજનોબન અજીતસિંહ, નિલેશ અજીતસિંહ તથા જીતન અજીતસિંહને જાણ થતાં આરોપીઓએ ફરિયાદી જયસિંહ મોરારજીના નામના બોગસ કરારનામાના આધારે અદાલતમાં જયસિંહ મોરારજીના નામના બોગસ કરારનામાના આધારે અદાલતમાં જયસિંહ મોરારજી તથા અન્ય ખરીદનારા વિરુધ્ધ દાવો દાખલ કર્યો હતો. જે દાવો દાખલ થતાં ફરિયાદી જયસિંહના ધ્યાનમાં આવેલ કે, જે કરારના આધારે અદાલતમાં દાવો કરવામાં આવેલ છે. તે કરાર મોટો ઉભા કરવામાં આવ્યો છે. જે અંગે તપાસ કરતા જે સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરવામાં આવેલ તે સ્ટેમ્પ લાલપુરથી ખરીદ કરવામાં આવેલ છે તથા સ્ટેમ્પ ખરીદનાર તરીકે જે વ્યક્તિ હૈયાત નથી તે સ્વ. અજીતસિંહ માધવદાસના નામે સ્ટેમ્પ ખરીદ કર્યો છે તથા વિદેશ તપાસ કરતાં જાણવા મળેલ કે, જે તારીખનો કરાર કરવામાં આવેલ છે તે તારીખે કરારમાં વપરાયેલ સ્ટેમ્પ અસ્તિત્વ જ ધરાવતો ન હતો. જે હકીકત ફરિયાદી જયસિંહ મોરારજી આશરના ધ્યાનમાં આવતાં આરોપીઓ વિજયસિંહ માધવદાસ સહીત અન્ય દશ વ્યક્તિ વિરુધ્ધ જામનગરની અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે અદાલત દ્વારા પોલીસ તપાસનો હુકમ કરવામાં આવતાં પોલીસ તપાસના અંતે તહોમતદારો વિરુધ્ધ અદાલતમાં રિપોર્ટ કરવામાં આવતાં અદાલત દ્વારા તહોમતદારો વિરુધ્ધ ખોટો દસ્તાવેજ તૈયાર કરવો તથા તેનો ખરા તરીકે ઉપયોગ કરવા અંગે કાયદેસર કેસ ચલાવવામાં આવ્યો હતો. જે કેસમાં ફરિયાદ દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ ધ્યાને લઇ જામનગરના એડી. ચીફ જ્યુડી. મેજી. આર.બી. જોષી દ્વારા આરોપીઓ ઇન્દ્રસિંહ માધવદાસ આશર, સુરેન્દ્રસિંહ માધવદાસ, મહેશ માધવદાસ, કિશન માધવદાસ, અંજનાબેન અજીતસિંહ, નિલેશ અજીતસિંહ તથા જતીન અજીતસિંહને ખોટો દસ્તાવેજ બનાવવા તથા તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવી ઇપીકો કલમ 465 તળે ઉપરોક્ત તમામ આરોપીઓને એક વરસની સાદી કેદની સજા તથા રૂા. 2000 દંડ, આઇપીસી કલમ 471 તળે એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 2000નો દંડ તથા આઇપીસી કલમ 120-બી તળે છ માસની સાદી કેદની સજા તથા રૂા. 500 દંડનો હુકમ ફરમાવવામાં આવેલ છે તથા સ્ટેમ્પ વેન્ડર ડી.ડી. જોશી લાલપુર વિરુધ્ધ આગળની કાર્યવાહી કરવા માટે કલેકટર જામનગરને નકલ મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી તરીકે વકીલ નિખીલ બી. બુધ્ધભટ્ટી તથા પાર્થ ડી. સામાણી રોકાયા હતાં.


