છેલ્લા કેટલાક કલાકોમાં જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં બે એન્કાઉન્ટર થયા છે, જેમાં કુલ છ આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશનમાં એક ભારતીય સૈનિક પણ શહીદ થયો છે, જયારે 9 જવાનો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પછી (24 એપ્રિલ) પીએમ નરેન્દ્રભાઇ મોદી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે. તાજેતરનો હુમલો જમ્મુના સુંજવાન વિસ્તારમાં ચટ્ટા કેમ્પ પાસે સવારે લગભગ 4.15 વાગ્યે થયો હતો. અહીં આતંકવાદીઓએ ફરજ પરના 15 સીઆઈએસએફ જવાનોને લઈ જઈ રહેલી બસ પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં સીઆઇએસએફએ જવાબી કાર્યવાહી કરી હતી, ત્યારબાદ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ પાંચ જવાન ઘાયલ થયા હતા, જેમાંથી સીઆઇએસએફનો એક એએસઆઇ શહીદ થયો હતો. શહીદનું નામ એસ પટેલ જણાવવામાં આવ્યું છે.