જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા સંજરીચોકમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન દારૂની બોટલો કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. જામનગર તાલુકાના ઠેબા ગામમાંથી બાઈક પર પસાર થતા બે શખ્સોને આંતરીને પોલીસે તલાસી લેતા તેમની પાસેથી દારૂની બોટલો મળી આવતા ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા સપ્લાયરનું નામ ખુલ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર સંજરી ચોક વિસ્તારમાં રહેતાં સીકંદર અબ્બાસ જીવરાણી નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા તેમાંથી રૂા.7000 ની કિંમતની 14 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતાં પોલીસે દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના ઠેબા ગામમાંથી જીજે-10-સીકયુ-5044 નંબરના એકટીવા પર પસાર થતા શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા ઈરફાનખાન લતીફ દુરાની નામના શખ્સના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે ઈરફાન અને ધવલ કાંતિ મોરજરિયા નામના બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો અફઝલ અનવર સુમરા નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પંચ એ પોલીસ સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અફઝલની શોધખોળ હાથ ધરી હતી અને ઝડપાયેલા બન્ને શખ્સો પાસેથી દારૂની બોટલો અને એકટીવા મળી કુલ રૂા.22500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.