જામનગર શહેરમાં બેડી ગેઈટ ખાદી ભંડાર પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા શખ્સને પોલીસે રૂા.33,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરમાંથી પોલીસે તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.11,780 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના બેડીમાં જાહેરમાં તીનપતિ રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.800ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના બેડી ગેઈટ ખાદી ભંડાર પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાતા હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મોતીલાલ મોહનલાલ સાપરિયા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.20,000 ની કિંમતનું જીજે-10-સીએ-1401 નંબરનું એકટીવા અને રૂા.10,250 ની રોકડ તથા રૂા.3,500 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.33,750 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુરમાં કાતરધારના રસ્તે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા જમન લખમણ ચૌહાણ, રસિક ગોકળદાસ સુરેજા, વલ્લભદાસ નાનજીદાસ સાપરિયા, રસિક ગોવિંદ સાપરિયા, રતિલાલ માંડા સંતોકી, અમૃતલાલ આંબા મેઘપરા નામના છ શખ્સોને રૂા.11,780 ની રોકડ રકમ અને ગંજીપના સાથે સ્થાનિક પોલીસે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગરના બેડીમાં જાહેરમાં તીનપતિ રમતા અસરફ હુશેન ગોરી, અસ્લમ સીદીક સોઢા અને જુમ્મા અબ્દુલ દલ નામના ત્રણ શખ્સોને બેડી મરીન પોલીસે રેઈડ દરમિયાન રૂા.800 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.