ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે,છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2380 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટીવ કેસની સંખ્યા પણ વધીને 13,433 થઈ ગઈ છે. આ સાથે જ એક દિવસમાં 56 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. ગઈકાલે પણ દેશમાં કોરોનાના 2000થી વધુ કેસ નોંધાયા હતા. જયારે આજે ફરી કેસમાં ઉછાળો આવ્યો છે.
દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. આજે દેશમાં 2380 કેસ નોંધાયા છે. તો 56 દર્દીઓના મૃત્યુ થયા છે, દિલ્હીમાં કોરોનાના કેસોએ ચિંતા વધારી છે. અહીં 24 કલાકમાં નવા 1009 કેસ સામે આવ્યા છે. અહીં છેલ્લે 10 ફેબ્રુઆરીના રોજ 1000 કરતાં વધુ કેસ નોંધાયા હતા. જેના પરિણામે દિલ્હીમાં ફરીથી માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. માસ્ક ન પહેરવા પર 500 રૂપિયા દંડ વસુલવામાં આવશે. અગાઉ કેસ ઘટતા કોરોના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હતા. તો હરિયાણામાં પણ એક દિવસમાં 310 કેસ સામે આવ્યા છે.
અન્ય દેશોની વાત કરવામાં આવે તો જર્મની, ફ્રાન્સ અને ઈટાલીમાં કોરોના ફરી બેકાબુ થયો છે. જર્મનીમાં એક દિવસમાં લગભગ 2 લાખ જેટલાં કેસ નોંધાયા છે. કોરોનાના નવા સબ-વેરિઅન્ટ XE એ સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. આ વેરિઅન્ટ ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ છે. WHO અનુસાર કોરોનાના તમામ વેરિયન્ટ કરતાં આ વેરીયન્ટ ખતરનાક છે.