જામનગર શહેરના જોગસ પાર્ક નજીક આવેલી કેતન સોસાયટીમાં રહેતાં પ્રૌઢ સસરાએ તેની પુત્રવધૂ ઉપર ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યાની ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે દુષ્કર્મ આચરનાર સસરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રહેતી મહિલાના 2002માં લગ્ન થયા હતાં અને લગ્ન પછી એક પુત્રના જન્મ બાદ પતિ સાથે ઝઘડા થતાં રિસામણે ચાલી ગઇ હતી અને માતાના મૃત્યુ પછી વર્ષ 2017માં સસરા પક્ષ સાથે સમાધાન થયા બાદ પરત સાસરે રહેવા આવી ગઇ હતી. સાસરે પતિ સાથે ઝઘડા થવાથી પતિ તેણીના દિયર સાથે રહેવા જતો રહ્યો હતોે અને ત્યાંથી પતિ ક્યાંક જતો રહ્યો છે. આમ મહિલા તેના પુત્ર સાથે એકલી હોવાથી સુરત રહેતા સાસુ-સસરા તેણીની સાથે આવી ગયા હતાં. વર્ષ 2019માં કોરોનાકાળમાં સાસુ પરત સુરત રહેવા જતાં રહ્યાં હતાં અને એકાદ વર્ષ પહેલા તેણીના સસરા કિરીટ કાનજી ખેતાણી (ઉ.વ.55) રાત્રીના સમયે મહિલાના રૂમમાં આવીને ટાંકામાં પાણી ન હોવાથી જોવાનું કહ્યું હતુ અને તેણી નીચે ગઇ હતી. આ દરમિયાન સસરાએ ‘કહેલ કે, તું મને બહુ ગમે છે, તું મારી ગર્લફ્રેન્ડ બની જા તારો પતિ તને ખુશ નથી રાખતો પણ હું તને તેની ખામી નહીં થવા દઉ’ તેમ કહીને બળજબરી કરી હતી અને બુમો પાડીશ તો તારા દિકરાને જાનથી મરાવી નાખવાની ધમકી આપી વર્ષમાં ચારેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
સસરા દ્વારા દુષ્કર્મ આચરતા કંટાળેલી મહિલા શહેરમાં અન્ય સ્થળે રહેવા માટે ચાલી ગઈ હતી અને ત્યારબાદ તેણીએ આ અંગે પોલીસમાં જાણ કરતાં પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે તેણીના સસરા કિરીટ કાનજી ખેતિયા વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.