ચાલુ વર્ષે માર્ચમાં જ આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ હતી એપ્રિલ અર્ધો વિત્યો ત્યાં સૌરાષ્ટ્રનાં 141 ડેમો પપ ટકાથી વધુ ખાલી થઈ ગયા હોય મે – જૂનનાં આકરા ઉનાળાનાં દિવસોમાં પીવાનાં પાણીની મુશ્કેલી હળવી કરવા ડેમોમાં પીવાનું પાણી અનામત રાખીને સિંચાઈનું આયોજન કરવા દરેક જિલ્લાને સૂચનાઓ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિકટ સ્થિતિ દેવભૂમિ દ્વારકા, જામનગર , સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની છે. દેવભૂમી દ્વારકા જિલ્લાનાં જળાશયોમાં માત્ર 17 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. ખંભાળીયાનો ઘી ડેમ પણ ખાલી થવા આવ્યો હોય દ્વારકા સહિતનાં શહેરો માટે આગામી દિવસોમાં પાણીની વિકટ સ્થિતિ ઉભી થાય તેવા સંજોગો ઉભા થયા છે. જામનગર જિલ્લામાં 32 ટકા અને મોરબી જિલ્લામાં પણ માત્ર 36 ટકા જેટલો જ પાણીનો જથ્થો હવે રહ્યો છે. મોરબીનાં ગામડાઓમાં પીવાનાં પાણીની તંગી જોવા મળી રહી છે.
રાજકોટ જિલ્લામાં સિંચાઈ હેઠળનાં રપ ડેમોમાં હાલ માત્ર 44 ટકા જેટલું પાણી રહયુ છે જો કે સૌથી મોટી રાહત એ છે કે જિલ્લાનો સૌથી મોટા ભાદર ડેમમાં હાલ 50 ટકા પાણી છે. આશરે 3600 એમસીએફટી પાણી હોવાથી હાલ ઉનાળુ પાક માટે પાણી અપાઈ રહ્યુ છે પરંતુ અન્ય નાના ડેમોમાંથી હવે પીવાનું પાણી અનામત રાખીને સિંચાઈમાં કાપ મુકીને આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં જસદણ – વિંછીયા, પડધરી તાલુકામાં વિકટ સ્થિતિ ઉભી થવાનાં સંકેતો મળી રહયા છે. સિંચાઈ વિભાગનાં સૂત્રોનાં જણાંવ્યા મુજબ ભાદર સહિતનાં ડેમોમાંથી પ્રિ – ખરીફનાં પાણી માટે આયોજન કરાઈ રહયું છે