ઘણાં લાંબા સમયથી જામનગર શહેરની ટ્રાફિક વ્યવસ્થા સાવ ખાડે ગઇ છે. શહેરના માર્ગો પર ખાસ કરીને ટ્રાફિક જંકશનો પર ભારે અરાજકતા પ્રવર્તી રહી છે. ત્યારે ટ્રાફિક પોલીસ કયાંય નજરે પડતી નથી. અણધડ અને અરાજક ટ્રાફિક વ્યવસ્થાને કારણે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય રહ્યા છે. કયારેક ગંભીર અને જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે. રવિવારે ઇન્દીરા માર્ગ અને સાતરસ્તા પાસે સર્જાયેલા બે અકસ્માતમાં બે વ્યકિતઓએ જીવ ગુમાવ્યા તેમ છતાં પોલીસ કે મહાપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. અકસ્માત બાદ જરૂરી કાર્યવાહી કરીને પોલીસ ફરજ બજાવ્યાનો સંતોષ વ્યકત કરે છે.
ટ્રાફિક વ્યવસ્થા અને નિયમન એમ બે ભાગમાં વહેચાયેલું મિકેનિઝમ હોવાને કારણે બે જુદા-જુદા તંત્રો તેની સાથે સંકડાયેલા છે. તે મુજબ જામનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને નિયમનની જવાબદારી જામનગર મહાપાલિકા અને પોલીસના ટ્રાફિક વિભાગની છે. પરંતું બંન્ને તંત્રો માર્ગ પર કયાંય જોવા નથી મળતા ! ટ્રાફિક સિગ્નલ, પાર્કિંગ, સાઇનબોર્ડ, સ્પીડબ્રેકર, ઝેબ્રાકોસીંગ ડિવાઇડર જેવી વ્યવસ્થા મહાપાલિકાના તંત્રએ કરવાની થાય છે. જયારે ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે. આ માટે આખે આખો અલાયદો પોલીસનો ટ્રાફિક વિભાગ પણ છે. પરંતુ ઘણાં સમયથી પોલીસનો આ વિભાગ નિષ્ક્રીય હોવાનું જણાય રહ્યું છે. ટ્રાફિક પોઇન્ટ પર ભાગ્યે જ કોઇ ટ્રાફિક જમાદાર જોવા મળે છે. જેને કારણે શહેરનો ટ્રાફિક અને વાહનચાલકો નિરંકૂશ રીતે પોતાની મરજી મુજબ વાહનો ચલાવીને અરાજકતા ઉભી કરી રહ્યા છે.
ઇન્દીરા માર્ગ ઉપર ફલાયઓવર નિર્માણને કારણે સ્થિતિ વધુ વણસી છે. ગુરૂદ્વારા અને અંબર ચોકડી પર દિવસમાં અનેક વખત અંધાધૂંધી ભરી સ્થિતિ જોવા મળે છે. જયારે સાતરસ્તા સર્કલ ખાનગી અને પાટાના વાહનોનો અડિંગો બની ગયું છે. દિન-પ્રતિદિન અહિં ટ્રાફિકની સ્થિતિ કથળી રહી છે. વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ટ્રાફિક વ્યવસ્થાના નામે મીંડું છે. કોઇ પોલીસ નહી, કોઇ નિયંત્રણ નહી.. અહિં બધુ જ અનિયંત્રિત જોવા મળી રહ્યું છે. લગભગ આવી જ હાલત શહેરના મોટા ભાગના ટ્રાફિક પોઇન્ટની છે. સાતરસ્તા સર્કલમાં મુકવામાં આવેલું ‘જન સેવા કેન્દ્ર’ છેલ્લા બે વર્ષથી ‘સેવાદાર’ની રાહ જોઇ રહ્યું છે. હવે તો આ કેન્દ્ર પણ જર્જરિત બનવા લાગ્યું છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થાની જેમ જ ! એમ કહીએ કે જામનગરમાં ટ્રાફિક વ્યવસ્થા જ નથી તો તેમાં જરા પણ અતિશયોકિત નથી. હા, એક સમય હતો જયારે શહેરમાં ટ્રાફિક પોલીસની ધાક હતી. નિયમભંગ કરનારાઓને પોલીસનો ડર હતો. દુર થી જો કોઇ શ્ર્વેતવસ્ત્રધારી કોન્સ્ટેબલ નજરે ચડી જાય તો આવારા અને કુટેવ ધરાવતા વાહનચાલકો રસ્તો બદલી નાખતા હતાં.
ખૂદ ટ્રાફિક પી.આઇ. બુલેટ પર શહેરમાં પેટ્રોલિંગ કરતા હતા. જેની સાયકોલોજીકલ અસર બેજવાબદાર વાહન ચાલકો પર જોવા મળતી હતી. પરંતુ હવે આ બધુ ભૂતકાળ બની ગયું છે. આધુનિક ટેકનોલોજી સાથે ‘તીસરી આંખ’ના નામે સીસીટીવી સર્વેલન્સ વ્યવસ્થા ગોઠવવામાં આવી, તે પણ યોગ્ય અમલવારીના અભાવે બે અસર સાબિત થઇ રહી છે. શહેરની સમગ્ર ટ્રાફિક વ્યવસ્થા અને નિયમન જાણે કે, ટ્રાફિક બ્રિગેડને હવાલે કરી દેવામાં આવી હોય તેમ જણાઇ રહ્યું છે. આ એવી બ્રિગેડ છે જેમની પાસે દંડની કોઇ સતા નથી. પોલીસ જેટલી ટ્રેઇન્ડ અને પ્રોફેશ્નલ પણ નથી અને વાહન ચાલકો તેને ગાંઠતા પણ નથી. જામનગરની ટ્રાફિક વ્યવસ્થા વધુ ગંભીર બને તે પહેલા પોલીસે નકકર આયોજન ઘડી કાઢવું જરૂરી છે. શહેર પોલીસની ટ્રાફિક શાખાને રિવાઇવ કરવાની જરૂર છે. ટ્રાફિકની સમસ્યા દરેક વ્યકિતને સ્પર્શતી સમસ્યા છે. ત્યારે જામનગરનાં લોકો નવા એસ.પી. પ્રેમસુખ ડેલુ પાસે અપેક્ષા રાખી રહ્યા છે. માત્ર અવેરનેસના નાટકોથી આ સમસ્યા ઉકેલાઇ જવાની નથી. જે લોકો નથી જ સમજતા અને પોતાની સાથે અન્યના જીવને પણ જોખમમાં મુકી રહ્યા છે. તેમને કાયદાના દંડાનો પરિચય કરાવવો પણ જરૂરી છે. સાથે સાથે દરેક શહેરીજનોની પણ એટલી જ જવાબદારી બને છે. ત્યારે આશા છે. શહેરના નવા એસ.પી. શહેરને અરાજક ટ્રાફિક વ્યવસ્થાથી મુકિત અપાવવાનો પ્રયાસ કરશે અને શહેરના સુજ્ઞ નાગરીકો(વાહન ચાલકો) સહકાર આપશે. બાકી પોલીસ જાણે જે છે કે શું કરવાનું છે…!!