જામનગર શહેરમાં સાત રસ્તા નજીક સંતોષી માતાના મંદિર પાસે પૂરઝડપે બેફીકરાઈથી આવતી રીક્ષાના ચાલકે ઠોકર મારી હડફટે લેતા દંપતીને અકસ્માતમાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. જ્યારે પ્રૌઢાને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરમાં સાત રસ્તા પાસે સંતોષી માતાજીના મંદિર પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં ધીરુભાઈ અને ઉજીબેન બન્ને ગત તા.15 માર્ચના રોજ સવારના સમયે તેના ઘર પાસેથી જતાં હતાં ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-10-ટીડબલ્યુ-5845 નંબરની ઓટો રીક્ષાના ચાલક સંજયએ દંપતીને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં બન્નેને ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં સારવાર દરમિયાન ધીરુભાઈનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની જાણ મૃતકના પુત્ર ભરત દ્વારા કરાતા પીએસઆઈ એ.બી.સપિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી રીક્ષાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.