જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા સહિત રાજ્યના 77 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યાં હતાં. જેમાં જામનગરના પોલીસવડાની દ્વારકા અને અમદાવાદથી જામનગરના પોલીસવડા તરીકે બદલી કરવામાં આવી હતી. આ બદલીઓમાં જામનગર પોલીસવડા તરીકે પ્રેમસુખ ડેલુની અને જામનગરના પોલસવડા નિતેશ પાંડેયની દ્વારકા ખાતે બદલી કરવાના આદેશ થયા હતાં તેમજ દ્વારકામાં પોલીસવડા તરીકે ફરજ બજાવતા સુનિલ જોશીની અમદાવાદ ખાતે બદલી કરાઇ હતી. દેવભૂમિ દ્વારકા પોલીસવડા તરીકે નિતેશ પાંડેય એ દ્વારકાધિશના ચરણોમાં શિશ ઝુકાવી પોલીસવડા તરીકેનો ચાર્જ સુનિલ જોશી પાસેથી સંભાળ્યો હતો. દ્વારકા પોલીસ વિભાગ દ્વારા નિતેશ પાંડેયના વેલકેમ અને સુનિલ જોશીના ફેરવેલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કલેકટર મુકેશ પંડયા, ડીવાયએસપી સમીર શારડા, હિરેન્દ્ર ચૌધરી તથા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં સુનિલ જોશી ઉપર ફૂલોનો વરસાદ કરી વિદાય આપવામાં આવી હતી.
દ્વારકા પોલીસવડા નિતેશ પાંડેયનું સ્વાગત અને સુનિલ જોશીની વિદાય
દ્વારકા પોલીસ દ્વારા સ્વાગત અને ફેરવેલ કાર્યક્રમનું આયોજન : કલેકટર અને ડીવાયએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ : સુનિલ જોશી ઉપર ફૂલોનો વરસાદ કરી ભવ્ય વિદાય અપાઇ