જામનગર શહેરમાં ચાંદી બજારના ચોકમાં મધ્યરાત્રિના સમયે સમાધાન માટે બોલાવેલા યુવાન ઉપર ચાર શખ્સોએ ઢીકાપાટુ અને છરીનો જીવલેણ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી અને છોડાવવા વચ્ચે પડેલા બે યુવાનોને લમધાર્યા હતાં. પોલીસે હત્યાના બનાવમાં ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં સમાધાન માટે બોલાવી નવપરિણીત યુવાનની નિર્મમ હત્યા#jamnagar #jamnagarpolice #khabargujarat #crimenews #crimenewsjamnagar pic.twitter.com/361L4mFfCP
— Khabar Gujarat (@khabargujarat) April 5, 2022
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારના પટણી વાડ મટકા ફળી વિસ્તારમાં રહેતાં શબીર ગફારભાઈ લાલપરિયા (ઉ.વ.25) નામના યુવાનના લગ્ન થોડા સમય પહેલાં જ થયા હતાં અને યુવાન તેની પત્ની સાથે બાઈક પર ઘરે જતો હતો તે દરમિયાન જુબેર બાજરિયા અને મોહસીન બાજરીયા નામના બન્ને શખ્સોએ શબીરની પત્નીની મશ્કરી કરી હતી જેથી શબીર અને મોહસીન વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ મોહસીને શબીરને સમાધાન માટે પાંચહાટડીમાં બોલાવ્યો હતો જ્યાં શબીર અને શબીર દાલુ, મહમદ શેખ નામના ત્રણ વ્યકિતઓ સમાધાન માટે ગયા હતાં પરંતુ ત્યાં સમાધાન થયું ન હતું. ત્યારબાદ સોમવારે મધ્યરાત્રિના સમયે ચાંદીબજારના ચોકમાં સમાધાન માટે ફરીથી બોલાવ્યો હતો. જ્યાં જુબેર મહમદ બાજરિયા નામના શખ્સે શબીર લાલપરિયાને ફડાકો મારતા રાહીલ અને અન્ય વ્યકિતઓ શબીરને છોડાવવા વચ્ચે પડયા હતાં.
ત્યારે જુબેર મહમદ બાજરીયા, સદામ મહમદ બાજરીયા, મોહસીન ઈકબાલ શેખ અને વસીમ સુલેમાન બસર નામના ચાર શખ્સોએ એક સંપ કરી શબીરને પકડી રાખ્યો હતો અને વસીમ સુલેમાન બસર નામના શખ્સે શબીરના પેટના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. ત્યારબાદ ઘવાયેલા શબીરની સાથે આવેલા લોકોને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં ઘવાયેલા શબીર લાલપરિયાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું રાત્રીના જ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જીવલેણ હુમલાની જાણ થતા પીઆઈ એમ.જે. જલુ તથા સ્ટાફ ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ દોડી ગયો હતો જ્યાં મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના સાળા રાહીલ હારુન ખંભાળિયાવાળા નામના યુવકના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ પત્નીની મશ્કરી કરવા બાબતે શબીર ગફાર લાલપરિયા નામના યુવાનની હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધી હત્યારાઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.