ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના રોહીશા ગામના જાગૃત નાગરિકને બોરની ટાંકીની ઓરડાની ચકાસણી માટે ગ્રામ પંચાયતમાં કરેલી અરજી સંદર્ભે મહિલા સરપંચના પતિએ બે લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચ લેતા મહિલા સરપંચના પતિને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લઇ તલાટી કમ મંત્રી તથા પંચાયત સભ્ય સહિત ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના રોહીશા ગામના જાગૃત નાગરિક દ્વારા તેની બોરની ટાંકી અને ઓરડાની ચકાસણી માટે રોહીશા ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી અને આ અરજી સંદર્ભે મહિલા સરપંચના પતિ બાબુ ખોડા રાઠોડ, તલાટી કમ મંત્રી પ્રશાંત ચિમનલાલ પરમાર તથા ગ્રામપંચાયત સભ્ય બળદેવ બિજોલ રબારી સહિતના ત્રણેય નાગરિકને પ્રથમ જમીનની આકરણી થશે અને ત્યારબાદ બોરની આકરણી કરવી પડશે જેની આકરણીના પેટે રૂા.2 લાખ ચેકથી તથા રોકડા બે લાખ લાંચ પેટે માંગ્યા હતાં. નાગરિક દ્વારા આ લાંચની રકમ ચૂકવવી ન હોવાથી આ સંદર્ભે ગાંધીનગર એસીબી મદદનીશ નિયામક કે.બી. ચુડાસમા સમક્ષ લેખિત અરજી કરી હતી. આ અરજીના આધારે ગાંધીનગર એસીબી પીઆઈ એ.બી. ચાવડા તથા સ્ટાફે બુધવારે છટકુ ગોઠવ્યું હતું.
એસીબીએ ગોઠવેલા છટકામાં બુધવારે જાગૃત નાગરિક પાસેથી મહિલા સરપંચના પતિ બાબુ ખોડા રાઠોડ તેના રહેણાંક મકાને રૂા.2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતાં અને પૂછપરછ કરતાં આ લાંચમાં તલાટી કમ મંત્રી અને પંચાયત સભ્ય પણ મદદગારી કરવામાં સામેલ હોવાનું ખુલતા એસીબીએ ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.