સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે રોજ પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ત્રણ દિવસની અંદર પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2રૂપિયા 40 પૈસાનો વધારો થયો છે. લાંબા સમય સુધી ઇંધણના ભાવ સ્થિર રહ્યા બાદ સતત ત્રણ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા હોવાથી વાહનચાલકો પરેશાનીમાં મુકાયા છે.
જામનગરમાં આજે પેટ્રોલમાં 80 પૈસાનો વધારો થતા પ્રતિ લીટર પેટ્રોલના ભાવ રૂ.97.47 થયા છે. ત્યારે ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો થતા પ્રતિ લીટર ડીઝલના ભાવ રૂ.91.55 થયા છે. મંગળ અને બુધવારે ભાવ વધારા બાદ ગુરુવારે તો સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.
ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં જોરદાર ઉછાળો છતાં ભારતના ટોચના ફયુઅલ રિટેલરો આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતો લાંબો સમય સુધી યથાવત રાખી મુકાતા નવેમ્બરથી માર્ચના ગાળામાં તેમને આવકમાં સંયુકત રીતે રૂપિયા ૧૯૦૦૦ કરોડનું નુકસાન થયું હતું. ત્યારે હવે સતત ત્રણ દિવસથી ભાવવધારો કરવામાં આવી રહ્યો છે.