- Advertisement -
ઓખાના બેટ દ્વારકા ખાતે બોટ મારફતે જતા એક મહિલાના ગળામાંથી સોનાના ચેનની થયેલી ઝીલ ઝડપ પ્રકરણમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી, પરપ્રાંતિય મહિલાઓ સાથેની પરવલ બાવરી ગેંગને દબોચી લીધી હતી. આ પ્રકરણમાં પોલીસ દ્વારા કુલ નવ આરોપીઓને રૂ. 3.45 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ તળાજા ખાતે રહેતા ભાવીશાબેન ગીરીશભાઈ મહેતા નામના એક મહિલા ઓખાની પેસેન્જર જેટી ખાતેથી બોટમાં બેસવા જતા હતા, ત્યારે તેમની નજર સુકવી અને તેમણે પહેરેલો રૂપિયા 70,000 ની કિંમતનો બે તોલાનો સોનાનો ચેન કોઈ ચીલ ઝડપ કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું હતું. આ પ્રકરણના અનુસંધાને ઓખા મારીન વિભાગના પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત જાહેર વિસ્તારોમાં ભીડનો લાભ લઈ અને આ પ્રકારે ચીલ ઝડપ કરતી આખી ગેંગ એવી પરવલ બાવરી ગેંગને આ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી હતી.
સોનાના ચીલ ઝડપ સંદર્ભે ઝડપાયેલી આ ગેંગમાં હરિયાણા રાજ્યના રહીશ એવા નવ આરોપીઓમાં રમેશ મુન્નેલાલ બાવરીયા (ઉ.વ. 40), મનોજ મુન્નેલાલ બાવરીયા (ઉ.વ. 28), ગીતાબેન રવિન્દ્રભાઈ જાટ (ઉ.વ. 35), બીરોબેન મુકેશભાઈ જાટ (ઉ.વ. 27), પિંકી રાજુભાઈ જાટ (ઉ.વ. 34), ચાંદની રાજુભાઈ જાટ (ઉ.વ. 30), ઉષા રમેશભાઈ જાટ (ઉ.વ. 30), સુનિતા સુનિલભાઈ જાટ (ઉ.વ. 33) અને પ્રેમવતી નારાયણ જાટ (ઉ.વ. 50) ને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ ગેંગના સદસ્યો પાસેથી પોલીસે સોનાના બે ચેન, એક વીટી, સોનાનું પેંડલ તથા જુદીજુદી કંપનીના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 30,840 રોકડા મળી કુલ ₹ 3,44,640 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા, ભાટિયા આઉટ પોસ્ટના પી.એસ.આઈ. સી.એચ. મકવાણા, રાજકોટ રૂરલ વિભાગના પી.એસ.આઈ. આર.એલ. ગોયલ, એ.એસ.આઈ. એમ.આઈ. મામદાણી તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ પરબતભાઈ સહિતના સ્ટાફ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.
- Advertisement -