- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા પંથકમાંથી સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ગુરુવારે પીપળીયા ગામે દરોડો પાડી, એક આસામી દ્વારા તેની મોટરકારમાં તથા મકાનની અગાસીમાં છુપાવીને રાખેલી રૂપિયા 2.39 લાખની કિંમતની 598 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 5.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આરોપી શખ્સની શોધખોળ હાથ કરવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા ગુરુવારે હોળી પર્વે જુદા-જુદા વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના પીપળીયા ગામે પહોંચતા સ્થાનિક સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ગામના વાડી વિસ્તારમાં રહેતા ભોરા ભોજા જામ નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાં રહેલી જી.જે. 18 એ.એ. 3841 નંબરની સ્કોર્પિયો મોટરકારમાં પોલીસે ચેકિંગ કરતા આ કારમાંથી રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વ્હિસ્કી તથા મેકડોવેલ નંબર વન સુપિરિયર વ્હિસ્કી નામની વિદેશી દારૂની 62 બોટલ મળી આવી હતી. બાદમાં આ મકાનની ઝડતી તપાસ કરતા મકાનની અગાસીમાં રાખવામાં આવેલી વધુ 536 બોટલ વિદેશી દારૂનો જથ્થો સાંપડ્યો હતો.
આથી પોલીસે રૂપિયા 2,39,200 ની કિંમતનો 598 બોટલ પરપ્રાંતીય શરાબ તથા રૂ. ત્રણ લાખની કિંમતની સ્કોર્પિયો મોટરકાર મળી કુલ રૂપિયા 5,39,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમ્યાન આરોપી ભોરા ભોજા જામ આ સ્થળે મળી ન આવતા ખંભાળિયા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, ધોરણસરની તપાસ હાથ ધરી છે.
- Advertisement -