ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતો આમીન અબ્દુલા ભાયા નામનો 30 વર્ષનો યુવાન ગત બુધવારે સવારના સમયે તેના જીજે-10-સીએસ-8838 નંબરના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયા ખાતે લાઇટ બિલ ભરવા ગયો હતો.
ત્યારે માર્ગમાં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-10-બીજી-5273 નંબરના એક ટ્રેકટરના ચાલકે અચાનક ગોલાઈમાં વણાંક લેતાં આમીનભાઈનું મોટરસાયકલ સામેથી ધડાકાભેર ટ્રેક્ટર સાથે અથડાયું હતું. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આમીનભાઈને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ ઉપરાંત આ માર્ગ પર જઈ રહેલા જીજે-37-એચ-8306 નંબરનું અન્ય એક મોટરસાયકલ પણ આ જ રીતે ટ્રેક્ટર સાથે અથડાતા તેના ચાલક શબીરભાઈ ભાયાને પણ ઈજાઓ થવા પામી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતકના માસિયાઈ ભાઈ હમીદભાઈ ઈસ્માઈલભાઈ ભાયા (રહે. સલાયા) ની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે આઈપીસી કલમ 279, 337, 304 (અ)થતાં એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.