જામનગર શહેરની મધ્યમાં આવેલા વિશ્વવિખ્યાત આયુર્વેદના ધન્વન્તરી કેમ્પસમાં અજાણ્યા શખ્સો દ્વારા ચંદનના બે ઝાડ કાપી નાખ્યા હતાં અને આ પૈકીના અમુક લાકડાની ચોરી પણ કરી ગયા છે. અગાઉ પણ આ કેમ્પસમાંથી ચંદનના લાકડાન ચોરી થઈ હતી. જ્યારે કેમ્પસની સિકયોરિટી ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી વિશ્વવિખ્યાત આયુર્વેદના ધન્વન્તરી કેમ્પસમાંથી અગાઉ અજાણ્યા તસ્કરો દ્વારા ચંદનના લાકડા કાપીને ચોરી કરવામાં આવી હતી. ત્યારે પણ પોલીસ ફરિયાદની કાર્યવાહી થઈ હતી. જો કે, આ વિશ્વવિખ્યાત કેમ્પસમાં સિકયોરિટી વ્યવસ્થા પણ હોવા છતાં ચંદનના લાકડા કાપીને ચોરી કરીને લઇ જાય ત્યાં સુધી સિકયોરિટીના ધ્યાને કેમ નથી આવતું ? કે પછી આ ચોરીમાં કોઇ સ્ટાફની સંડોવણી રહેલી છે ? દરમિયાન આજે વધુ એક વખત ધન્વન્તરિ કેમ્પસમાંથી ચંદનના બે ઝાડ કાપી નાખવામાં આવ્યાં હતાં અને આ કાપેલા ઝાડમાંથી ચંદનના લાકડાં તસ્કરો ચોરી કરી લઇ ગયા હોવાની શકયતા નકારી શકાતી નથી. ચોરીની જાણ થતા અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતાં અને આ અંગે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.