જામનગર શહેરમાંથી વધતી જતી સાઈકલ ચોરી અટકાવવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા સાઈકલ ચોર તસ્કરને ઝડપી લઇ પોલીસે 23 ચોરાઉ સાઈકલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર શહેરમાં છેલ્લાં થોડાક સમયથી સાઈકલ ચોરીના બનાવો સતત વધતા હતાં અને હાલમાં જ ચાર સાઈકલ ચોરીની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. દરમિયાન વનરાજ ખવડ અને મહાવીરસિંહને મળેલી બાતમીના આધારે સીટી એ ડીવીઝન પીઆઈ એમ.જે. જલુની સૂચનાથી પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા વનરાજ ખવડ, યોગેન્દ્રસિંહ સોઢા, મહાવીરસિંહ જાડેજા, મેહુલ વિસાણી, શિવરાજસિંહ રાઠોડ અને પ્રવિણ પરમાર સહિતના સ્ટાફે મોરકંડા રોડ પર આવેલી ગરીબનવાઝ પાર્ક સોસાયટી શેરી નં.3 માં રહેતા સાહીલ ઉમર ફારુક શેખ નામના શખ્સને ચોરાઉ સાઈકલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા સાહીલે 23 સાઈકલ ચોરી આચર્યાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે તેની પાસેથી 23 ચોરાઉ સાઈકલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.