ધ્રોલથી રાજકોટ જવાના માર્ગ પર જાયવા ગામના પાટીયા નજીકથી પોલીસે પીછો કરતા પીકઅપ વાહનનો ચાલક વાહન મૂકી નાશી ગયો હતો. ત્યારબાદ પોલીસે તલાસી લેતા વાહનમાંથી રૂા.2,70,000 ની કિંમતની 540 નંગ દારૂની બોટલો અને ત્રણ લાખની કિંમતનું વાહન મળી કુલ રૂા.5.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. ધ્રોલ તાલુકાના સોયલ ગામના પાટીયા પાસેથી પોલીસે ભરવાડ શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો ધ્રોલથી રાજકોટ જવાના માર્ગ પર આવેલા જાયવા ગામના પાટીયા નજીક કાચા રસ્તા પરથી બુધવારે મધ્યરાત્રિના પસાર થતી જીજે-38-ટી-4620 નંબરના બોલેરો પીકઅપ વાહનનો પોલીસે પીછો કરતા ચાલક વાહન મૂકી નાશી ગયો હતો. ત્યારબાદ પોલીસે વાહનની તલાસી લેતા તેમાંથી જુદી જુદી બનાવટની રૂા.2,70,000 ની કિંમતની દારૂની 540 બોટલો મળી આવતા પોલીસે દારૂ અને ત્રણ લાખની કિંમતનું વાહન મળી કુલ રૂા.5.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નંબરના આધારે આરટીઓમાં તપાસ આરંભી ચાલકની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, બુધવારે રાત્રિના સમયે ધ્રોલ તાલુકાના સોયલ ગામના પાટીયા પાસેથી પસાર થતા બાબુ રેવા મેવાડા નામના શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.