જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના નેજા હેઠળ ગઇકાલે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે એકતાલીસમી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઇ હતી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પાલખીનુ પુજન કરીને પ્રસ્થાન કરાવાયુ હતું. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી. બપોરે 4.30 વાગ્યે પુરાણ પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે 01:30 વાગ્યે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનોના હોદે્દારો દ્વારા 28 થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા, અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની રજત મઢિત પાલખીના ‘છોટી કાશી’ના અનેક શિવભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
સિધ્ધનાથ મહાદેવના મંદિરથી બપોરે સાડા ચાર વાગ્યે શિવ શોભા યાત્રા પ્રારંભ થઇ હતી. આ સમયે ગુજરાત પ્રદેશ ભાજપ ના અધ્યક્ષ સી.આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સૌ પ્રથમ સિધ્ધનાથ દાદાના દર્શન કર્યા પછી ભગવાન શીવજીની પાલખીનું પ્રાસાદ પુજન કર્યુ હતું. ત્યાર પછી શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ જામનગર જીલ્લાના સાંસદ પુનમબેન માડમ, પૂર્વ રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હુકભા), મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, જીલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરા ઉપરાંત ડે. મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શહેર ભાજપ સંગઠનના પ્રમુખ મહામંત્રીઓ અન્ય હોદેદારો, કોર્પોરેટરો, શહેર ભાજપના પૂર્વ પ્રમુખઓ વગેરેએ ભગવાન શિવજીની રજત મઢિત પાલખીનું પુજન અર્ચન કરીને શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ અને ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વક્રમભાઇ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટર ધવલ નંદા, રચનાબેન નંદાણીયા, મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, કોંગી અગ્રણી રામસીભાઇ મારૂ, પ્રદેશ કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ ભીખુભાઇ વારોતરીયા વગેરે પણ પાલખીનું પૂજન અર્ચન કર્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાના રૂટ પર પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ખંભા પર ઉચકી હર હર મહાદેવના ગગન ભેદી નારા લગાવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. ઉપરોકત શિવ શોભાયાત્રા નાગેશ્ર્વર મંદિર થઇ નાગનાથ ગેઇટ, કે.વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, દરબાર ગઢ, બર્ધન ચોક, ગોવાળ ફળી, પંચેશ્ર્વર ટાવર, નિલકંઠ ચોક થઇ રાત્રીના 01:30 વાગ્યે ભીડ ભંજન મહાદેવના મંદિરે પૂર્ણ થઇ હતી. જયાં મહા આરતી સાથે પુજન અર્ચન કરાયું હતું. નગરમાં યોજાતી એકતાલીસમી શિવ શોભાયાત્રામાં ગઇકાલે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત રોશનીથી ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂપના દર્શન કરવા માટે ભાવિકોએ ઠેર-ઠેર ભીડ જમાવી હતી અને મોડે સુધી દર્શન માટે રાહ જોઇને બેઠેલા ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર ભગવાન શિવજીની પાલખીનું પુજન કરાયુ હતું. બેડી ગેઇટ ખાતે ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. આ સમયે પણ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એચ. જાડેજા (હકુભા), મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, જીલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઇ મુંગરા તેમજ શહેર અને જીલ્લા ભાજપના અન્ય તમામ અગ્રણીઓ, પૂર્વ પ્રમુખો, કોર્પોરેટરો તથા જુદા જુદા વોર્ડના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શિવશોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી ભગવાન શિવજીની પાલખીનું પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. સ્વામી નારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે પણ ફુલહાર થી સ્વાગત કરી પાલખીનું પુજન કર્યું હતું. હાલાર હાઉસ પાસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અધિકારીગણ ગિરીશભાઇ બુધ્ધદેવ, જામનગર શહેર આર.એસ.એસ.ના નગર સંઘ ચાલક જ્ઞાનેન્દ્ર સિંઘ, વિશ્ર્વ હિન્દુ જાગરણ મંચના અધ્યક્ષ ભરતભાઇ ફલીયા,વી.એચ.પી.ના સંત સંપર્ક પ્રમુખ વૃજલાલભાઈ પાઠક, તેમજ અન્ય સ્વયંસેવકો અને વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું સન્માન કરાયું હતું. નાગનાથ ગેઇટ ચોકડી પાસે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઇ વાસુ અને શહેર પ્રમુખ અને વોર્ડ નં. 5 ના કોર્પોરેટર આશિષભાઇ જોષીની આગેવાની હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના હોદે્દારો – કાર્યાકરો વગેરે દ્વારા શોભાયાત્રાનું અનેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું, ઉપરાંત પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મ સમાજની મહિલા પાંખના પ્રિતીબેન શુકલ સહિતના તમામ હોદે્દારો ઉપરાંત બ્રહ્મસમાજના સર્વે હોદે્દારો આ વેળાએ હાજર રહ્યા હતા, અને પાલખીનું પૂજન કર્યું હતું.
જામનગરના હવાઇ ચોક વિસ્તારમાં પણ શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ કોર્પોરેટર ધવલભાઇ નંદા ઉપરાંત આનંદભાઇ રાઠોડ, રચનાબેન નંદાણીયા, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ વારોતરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, યુથ કોંગ્રેસ મહામંત્રી શકિતસિંહ જેઠવા સહિતના અગ્રણીઓ તેમજ ભાનુશાળી જ્ઞાતિજનો વગેરેએ પણ પાલખીનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
શિવ શોભાયાત્રામાં મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ) ની રાહબરી હેઠળ 71 થી વધુ સભ્યોની શિવભકતોની પાલખી સમિતિ દ્વારા એક સરખા ઝભ્ભા, પીતાંબરી અને કેસરી ખેસ સાથે ખુલ્લા પગે ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉચકીને નગરના માર્ગો પર દર્શનાર્થે ફેરવી હતી. જેનો અનન્ય નજારો જોવા મળ્યો હતો. ઉપરાંત શોભાયાત્રાના સંચાલન માટે બનાવાયેલી 43 સભ્યોની સંકલન સમિતિ અને 38 સભ્યોની ફલોટ સમિતિના નેજા હેઠળ શોભાયાત્રાના ક્ધવીનર જીમીભાઇ ભરાડ તેમજ સહક્ધવીનર રાહુલભાઇ નંદા અને નિરૂભા જાડેજાની રાહબરી હેઠળ શિવ શોભાયાત્રાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સફળ સંચાલનના કારણે શિવશોભાયાત્રા ઉલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થઇ હતી.
શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્ ઉપરાંત રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ (બે ફલોટ), શિવસેના (બે ફલોટ), સતવારા સમાજ (ચાર ફલોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), બ્રહ્મદેવ સમાજ (એક ફલોટ), ભગવા રક્ષક ગુ્રપ (બે ફલોટ), હિન્દુ સેના (એક ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), મહાદેવ કલાસીસ (બે ફલોટ), વિશ્ર્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ (એક ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ), કામેશ્ર્વર મહાદેવ મિત્ર મંડળ (એક ફલોટ), પરશુરામ આરતી ગુ્રપ (એક ફલોટ) સહિતના 16 મંડળો દ્વારા 28 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાઇ હતી. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાયા હતા. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બની હતી. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાયા હતા. અને શોભાયાત્રાના રૂટ પર નગર ભ્રમણ કર્યું હતું, જેને નિહાળવા માટે બપોરે સાડાત્રણ વાગ્યાથી રાત્રીના સાડા બાર વાગ્યા સુધી શોભાયાત્રાના તમામ રૂટ પર ભાવિકો જોડાયા હતા.
શિવશોભાયાત્રાના વિશિષ્ટ આકર્ષણો
ભગવા રક્ષક ગ્રુપ દ્વારા 14 ફુટના શિવલીંગની ઝાંખી બનાવાઇ
સેતાવાડ વિસ્તારને શોભાયાત્રા ના સ્વાગત માટે ટ્રસ્ટ ઉભું કરી રંગીન લાઈટોથી ઝળહળતો કરાયો
જામનગરના ભગવા રક્ષક ગ્રુપ દ્વારા એકાવાન થી વધારે તરવરીયા યુવાનો દ્વારા કેશરી સાફા અને સફેદ વસ્ત્રો ધારણ કરીને ભારે ઉત્સાહ ભેર જોડાયા હતા અને મોટી ધ્વજાઓ લઇને હેરતભર્યા પ્રયોગો રજુ કર્યા હતા. જે સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત 14 ફૂટ ઉંચી ભગવાન શિવજીના શિવલીંગની પ્રતિકૃતિ સાથેનો ફલોટસ તૈયાર કરાયો હતો અને અનેક ભકતોને શિવલીંગના ફલોટ સાથેના તૈયાર કરાયેલા રથને ખેંચવામાં સર્વે નગરજનોને જોડીને શિવમય વાતાવરણ બનાવ્યું હતું. જે શિવલીંગના દર્શન કરવા તેમજ રથ ખેંચવા અનેક લોકો જોડાયા હતા.ઉપરાંત શિવ શોભાયાત્રા તેમ જ ભગવાન શિવજીની પાલખી નું સ્વાગત કરવા માટે સેતાવાડ વિસ્તારમાં મોટુ ટ્રસ્ટ ઉભું કરીને તેમાં રંગબેરંગી લાઇટ ગોઠવવામાં આવી હતી, અને સમગ્ર વિસ્તારને ઝળહળતો કરી દેવાયો હતો. ઉપરાંત ભગવાન શિવજીની પાલખી ના સ્વાગત સમયે ઇલેક્ટ્રોનિક આતશબાજી પણ કરવામાં આવી હતી. ત્યારે અનેક શિવભકતો આ નજારો નિહાળી ને ભાવવિભોર બન્યા હતા.
હિન્દુ સેના દ્વારા તૈયાર કરાયેલા ફલોટની સાથે મોટી સંખ્યામાં બહેનો પણ જોડાયા
આ વખતની એકતાલીસમી શોભાયાત્રામાં હિન્દુ સેના દ્વારા તૈયાર કરાયેલા ભગવાન શિવજીના ફલોટની સાથે સાથે હિન્દુ સેનાના તરવરીયા યુવકો ઉપરાંત મોટી સંખ્યામાં બહેનો પણ જોડાયા હતા. જે તમામ બહેનોએ શિવજીના અલગ અલગ ભજનો પર તલવારબાજી સાથેના રાસ રમીને વાતાવરણની શિવમય બનાવ્યું હતું. જે બહેનોના ભગવાન શિવજીના ગગન ભેદીના નારા પણ શિવશોભાયાત્રામાં આકર્પણનું કેન્દ્ર બન્યા હતા.
હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેદારનાથ જયોર્તિલીંગની ઝાંખી તૈયાર કરાઈ
જામનગરના હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેન્ટ્રલ બેંક પાસે કેદારનાથ જયોર્તિલીંગની ઝાંખીનો અદભૂત નજારો તૈયાર કરવામાં આવ્યો હતો, અને હિમાલય પર્વતોની હારમાળા સાથેની બરફમાંથી બનાવાયેલી ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. જે કેદારનાથ જયોર્તિલીંગના દર્શન કરવા માટે પણ લોકોની ભીડ જોવામાં આવી હતી, સાથેસાથ પ્રસાદનું વિતરણ કરાયું હતું.
સ્વ. લતાબા અનિરૂધ્ધસિંહ જાડેજા ટ્રસ્ટની 41 બહેનો દ્વારા પાલખી પર પુષ્પવૃષ્ટિ કરાઇ
જામનગરની સંસ્થા સ્વ. લતાબા અનિરૂધ્ધસિંહ જાડેજા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્ષત્રિય સમાજની નારીના પરંપરાગત પહેરવેશમાં 40 થી વધુ બહેનો દ્વારા ડીજેના સથવારે તલવાર બાજી કરીને તલવાર રાશ રજુ કરાયા હતા. જે આર્કષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત ટ્રસ્ટના પ્રમુખ નયનાબા જાડેજાની રાહબરી હેઠળ ત્રણ દરવાજા પાસે ભગવાન શિવજીની પાલખી પર 41 માં વર્ષ યોજાનારી શિવ શોભાયાત્રાના 41 ના આંકને અનુરૂપ 41 બહેનો દ્વારા ભગવાન શિવજીની પાલખી પર પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી.
ગીરનારી ગ્રુપ દ્વારા 21 ફુટની શિવલીંગની ઝાંખી ઉભી કરાઇ – રક્ષા કવચનું વિતરણ
જામનગરમાં ભાટની આંબલી નજીક ગીરનારી ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષેપણ ભગવાન શિવજીની આરાધના કરવા માટેનું વિશેષ આકર્ષણ ઉભુ કરાયુ હતું. મુખ્ય ચોકમાં ભગવાન શિવજીની 21 ફુટ ઉંચી શિવલીંગની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેના દર્શનનો લ્હાવો લેવા માટે સમગ્ર દિવસ દરમ્યાન અનેક શિવભકતો જોડાયા હતા. તેમજ ભગવાન શિવજીના શિવલીંગની સાથે પોતાના મોબાઇલ ફોનમાં સેલ્ફી પડાવી હતી. ઉપરાંત શિવ દર્શને આવનારા અનેક શિવ ભકતોને સુરક્ષા કવચ તરીકેની શિવરક્ષા પોટલી બાંધવામાં આવી હતી.
રણજીતનગર વિસ્તારના ચાર નાના ‘શિવ’ સ્વરૂપ બાળકો શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
નગરમાં નિકળેલી શિવ શોભાયાત્રામાં રણજીતનગર વિસ્તારના ચાર નાના ભૂલકાંઓ કે જેઓએ ભગવાન શિવજીની વેશભૂષા ધારણ કરી હતી અને છેક સિધ્ધનાથ મહાદેવ મંદિરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધી 10 કિલો મીટર લાંબી શિવ શોભાયાત્રામાં પગપાળા ચાલીની જોડાયા હતા અને સમગ્ર શોભાયાત્રાના રૂટ દરમિયાન નગરજનોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત શહેરના અનેક નાના મોટા ભૂલકાંઓએ તેઓની સાથે મોબાઇલ ફોનમાં ફોટા પણ પડાવ્યા હતા.
જામનગરમાં સૌપ્રથમ વખત મુસ્લિમ સમાજ પછી દાઉદી વોરા સમાજ તેમજ ક્રિશ્ચન સમાજ દ્વારા પણ પાલખીનું પૂજન કરાયું
જામનગર શહેરમાં છેલ્લા 41 વર્ષથી શિવ શોભાયાત્રા યોજાઇ રહી છે. જેમાં મુસ્લિમ સમાજ દ્વારા પાલખીનું પૂજન કરવામાં આવી રહ્યું છે, અને કોમી એકતાના દર્શન આવેછે. જેમાં આ વખતે ઉમેરો થયો છે, અને દાઉદી વોરા સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત થયું હતું, તે જ રીતે ક્રિશ્ચિયન સમાજ દ્વારા પણ શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરીને જામનગરમાં સર્વધર્મ સમાજના એકતાના દર્શન કરાવાયા છે.
જામનગર શહેરમાં નાગેશ્ર્વર વિસ્તાર ઉપરાંત દિપક ટોકીઝ અને દરબાર ગઢ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી શિવ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાઈ રહ્યું છે, જેમાં આ વખતે ઉમેરો થયો છે, અને જામનગરના ઈતિહાસમાં અન્ય બે સમાજ દ્વારા પણ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવતાં સોનામાં સુગંધ ભળી છે.
જામનગરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા નિવૃત્ત એ.એસ.આઈ. યુનુસભાઇ સમા તેમજ અલુભાઈ પટેલ બંને દ્વારા શોભાયાત્રા સ્વાગત માટે સ્થાનિક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો અને શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. એટલૂં જ માત્ર નહીં, પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. સાથે સાથે યુનુશભાઈ દ્વારા ભગવાન શિવજીને 11,000 રૂપિયાનો હાર ચડાવાયો હતો, જયારે અલુભાઈ પટેલ દ્વારા રૂપિયા એકાવનસો હાર ભગવાન શિવજી ની પાલખીમાં પહેરાવાયો હતો, સાથોસાથ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
જે પરંપરામાં આ વખતે નવો ઉમેરો થયો છે વ્હોરાના હજીરા પાસેથી પસાર થઈ રહેલી શિવ શોભાયાત્રા દરમિયાન જામનગરના દાઉદી વોરા સમાજ દ્વારા પણ ભગવાન શિવજી ની પાલખી નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વખતે દાઉદી વોરા સમાજ દ્વારા વ્હોરા ના હજીરા એકસો વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેની ભવ્ય ઉજવણીની સાથે સાથે શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત જામનગરના ખ્રિસ્તી સમુદાય દ્વારા પણ પહેલી વખત શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જામનગરની એક ક્રિશ્ચિયન મિશનરી કુલ સાથે જોડાયેલા ક્રિશ્ચિયન સમુદાયના વિનોદ ફ્રાંસીસ તેમજ ગ્લોરી વિનોદ ફ્રાન્સિસ કે જેઓ દ્વારા ભગવાન શિવજીની પાલખીને હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, એટલું જ માત્ર નહીં આ વખતે 41 શોભાયાત્રા નીકળી હતી, જેથી તેઓ દ્વારા રૂા. 4,100 નો હાર બનાવવાના આવ્યો હતો, અને તે હાર ભગવાન શિવજીને અર્પણ કરીને સર્વધર્મ એકતાના દર્શન કરાવ્યા હતા. આમ આ વખતે જામનગર ના ઈતિહાસમાં મુસ્લિમ સમાજની સાથે સાથે દાઉદી વોરા અને ક્રિશ્ચિયન સમાજ દ્વારા પણ શોભાયાત્રાનું સ્વાગત થયું છે.