જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આજે મહાશિવરાત્રીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શિવાલયોમાં વ્હેલી સવારથી જ શિવભક્તોની લાંબી લાઇનો લાગી હતી. તેમજ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવાલયોમાં ધ્વજારોહણ, લઘુરૂદ્ર, રૂદ્રીપાઠ, યજ્ઞ, મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં.
આજરોજ મહાશિવરાત્રીના પર્વની છોટીકાશીનું બિરૂદ મેળવનાર જામનગર શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સિધ્ધનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, બેડેશ્ર્વર મહાદેવ મંદિર, નાગેશ્ર્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદિર, કુબેર ભંડારી મહાદેવ મંદિર, હાટકેશ્ર્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, બાલનાથ મહાદેવ મંદિર, નર્મદેશ્ર્વર મહાદેવ મંદિર, હજારેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવાલયોમાં ભગવાન શિવનો જય જય કાર બોલાવવામાં આવ્યો હતો. છોટીકાશીમાં વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રી નિમિત્તે રોશનીના શણગાર કરવામાં આવ્યા હતાં. તેમજ વિવિધ શિવાલયોમાં મહાદેવના વિવિધ શણગાર, રૂદ્રીપાઠ, બટુક ભોજન, લઘુરૂદ્ર સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. આ ઉપરાંત યજ્ઞ, ધ્વજારોહણ સહિતના ધાર્મિક આયોજનોનો શિવભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. શિવાલયોમાં રોશનીના શણગારથી રાત્રીના સમયે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતાં. તેમજ ભાંગ વિતરણ અને વિશિષ્ટ પૂજાના કાર્યક્રમો પણ યોજાયા હતાં. ખાસ કરીને ચાર પ્રહરની પૂજા તથા આરતીનો વિશેષ મહાત્મય હોય, તેનું પણ શિવ મંદિરોમાં આયોજન કરાયું હતું.
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વ્હેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરોમાં શિવભક્તોની લાંબી કતારો લાગી હતી. છોટીકાશીના શિવાલયોમાં વ્હેલી સવારથી હર-હર મહાદેવ, ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠયો હતો. શિવભક્તોએ ભગવાન શિવના વિશિષ્ટરૂપના દર્શન કરી તેમજ પૂજા-અર્ચનાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
આજે બપોરબાદ સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી હિન્દુ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્ર મંડળના નેજા હેઠળ શિવશોભાયાત્રા યોજાશે. 41મી આ શિવશોભાયાત્રામાં આ વર્ષે સૌપ્રથમ વખત ભગવાન આસુતોષજી સ્વરૂ દર્શનાર્થે મુકાશે. તેમજ શોભાયાત્રા દરમિયાન શિવજીના પ્રતિક ડમરૂ અને ઝાલરનો નાદ પણ ગુંજી ઉઠશે. શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સરબત વિતરણ, પ્રસાદ વિતરણ સહિતના આયોજનો પણ કરવામાં આવશે. તેમજ વિવિધ આકર્ષક ફલોટ પણ ઉભા કરવામાં આવ્યા છે.