જૂનાગઢના શખસે ફોન પર સમાજની ધાર્મિક લાગણી દુભાવી, અભદ્ર વર્તન કર્યાની રેકોર્ડીંગ સાથે યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે જામજોધપુર પોલીસની ટીમે આરોપીને રાજસ્થાનના જેસલમેરથી ઝડપી લઈ રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ, જામનગરમાં રહેતા વિકાસભાઈ બચુભાઈ સોલંકી નામના યુવાનને ગત તા.17 ફેબ્રુઆરીના રોજ અજાણ્યા શખસે ફોન કરી તેમના સમાજની ધાર્મિક લાગણી દુભાય તે રીતે રીત રીવાજ સામે તેમજ દેવીદેવતાઓ વિશે બેફામ વાણી વીલાસ કરી યુવાનની લાગણી દુભાવી હતી. જે અંગેની વાતચીતના રેકોર્ડીંગ સાથે યુવાને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ધાર્મિક લાગણી દુભાવવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે અંગેની પોલીસે તપાસ હાથ ધરતાં આરોપી જુનાગઢનો કમલેશ ગોકળભાઈ જાદવ (ઉ. વ.33) હોવાનું અને હાલ તે રાજસ્થાનના જેસલમેરમાં હોવાનું ખુલતા પોલીસે ગુપ્ત રીતે તપાસ હાથ ધરી રાજસ્થાન જેસલમેરમાંથી આરોપીને પકડીને જામજોધપુર લાવવામાં આવ્યો છે. તેના કોવીડ ટેસ્ટ બાદ ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.