રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનારાષ્ટ્રને સંબોધિત કરીને મોટી જાહેરાત કરી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના બળવાખોરોના કબજામાં રહેલા બે પ્રાંતોને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. યુક્રેન પર રશિયાના આક્રમણની આશંકાઓ વચ્ચે રશિયાના નિર્ણયથી તણાવ વધવાની ધારણા છે. સ્કાઇ ન્યૂઝના અહેવાલ મુજબ, પુતિને સંબોધનમાં કહ્યું કે, નાટોમાં યુક્રેનનો સમાવેશ રશિયા માટે ખતરારૂપ છે. તેમણે દાવો કર્યો છે કે, યુક્રેનમાં નાટો ટ્રેનિંગ સેન્ટર નાટોના સૈનિકોની ચોકી ઊભી કરવા બરાબર છે. યુક્રેનનું સંવિધાન વિદેશી સૈન્ય બેઝ રાખવાની મંજૂરી આપતું નથી. આ ઉપરાંત રશિયન રાષ્ટ્રપતિએ સંબોધમાં કહ્યું હતું કે, યુક્રેનની યોજના પરમાણુ હથિયારો બનાવવાની છે. આ દરખાસ્ત પછી, લુહાન્સ્ક અને ડોનેત્સ્ક હવે રશિયાની નજરમાં સ્વતંત્ર દેશો છે. પુતિને ટીવી પર દેશને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. આટલું જ નહીં, પુતિને નિવેદનો સાથે યુક્રેન પર પ્રહારો કર્યા. તેણે યુક્રેનને એક રાષ્ટ્ર તરીકે ઓળખાવવાનો પણ ઇન્કાર કર્યો હતો.
નોંધનીય છે કે, રશિયન આર્મીએ જાહેરાત કરી હતી કે, રશિયન સરહદમાં ઘૂસીને આતંક મચાવતા પાંચ યુક્રેની નાગરિકોને ઠાર કર્યા હતા. આ નાગરિકો સૈનિકો હતા કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. રશિયન આર્મીએ દાવો કર્યો હતો કે, રશિયાની સરહદમાં ઘૂસીને આતંક મચાવનારા યુક્રેનના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. એ પહેલાં યુક્રેને રશિયાની ચોકીને તોડી પાડી હતી. આ ઘટનાઓ પછી બંને દેશ વચ્ચેની તંગદિલી યુદ્ધમાં પરિવર્તન થવાની પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સેટેલાઈટ ઈમેજના આધારે એવો દાવો થયો હતો કે, યુક્રેન અને રશિયાની સરહદે હિલચાલ ખૂબ જ તીવ્ર થઈ ગઈ છે. તોપો, ટેન્કો, સૈનિકોની તૈનાતીનું પ્રમાણ સતત વધી રહ્યુ છે.
’નાટો’ના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલટેનબર્ગે આ અંગે કહ્યું હતું કે, યુક્રેન વિવાદના ઉકેલ માટે કોઈપણ રાજદ્વારી પગલાંને સમર્થન આપશે. અને યુદ્ધ અટકાવવાને તે પ્રાથમિકતા આપે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સૌથી વધુ મહત્ત્વની વાત તો યુક્રેન ઉપર હુમલો થતો અટકાવવાની છે. તેથી અમે નાટો’ સાથીઓ દ્વારા કરાતા રાજદ્ારી- સમાધાનના પ્રયાસોને પુરું સમર્થન આપીએ છીએ. તે માટે નાટો-રશિયા પરિષદમાં પણ ભાગ લેવા તૈયાર છીએ.’