રશિયાએ યુક્રેનના બે પ્રાંત ડોનેત્સ્ક-લુહાન્સ્કને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ જાહેરાત કરી છે. રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. આ અઠવાડિયે એર ઇન્ડિયા યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે 3 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. આજે એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઈટ ભારતીયોને લાવવા માટે યુક્રેન જવા રવાના પણ થઇ ચૂકી છે. મોડી રાત સુધીમાં ભારતીય નાગરીકો દિલ્હી પહોચશે.
યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ આજે સવારે યુક્રેન જવા રવાના થઇ છે. આ પહેલા યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવાની સલાહ આપી હતી. દઈએ કે યુક્રેનમાં મુખ્યત્વે ભારતીય 20હજાર જેટલા વિદ્યાર્થીઓ રહે છે. વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસ માટે ત્યાં ગયા છે. જોકે, ભારતીય દૂતાવાસે તેમને રશિયા-યુક્રેનના તણાવને જોતા થોડા સમય માટે ભારત પાછા ફરવા કહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે રશિયા સાથે યુક્રેનની સરહદ પર વધતા તણાવથી આ ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા નબળી પડી શકે છે. તેથી બંને પક્ષે સંયમ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે પ્રથમ પ્રાથમિકતા તમામ દેશોના કાયદેસર સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખીને તણાવ ઘટાડવાની છે. ભારતીય પ્રતિનિધિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજનૈતિક વાટાઘાટો દ્વારા જ આ મુદ્દાને ઉકેલી શકાય છે.