જામનગર શહેરમાંથી થયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નાગનાથ સર્કલ પાસેથી તરૂણ સહિત બે તસ્કરોને દબોચી લઇ પૂછપરછ દરમિયાન આ ટોળકીએ જામનગર અને રાજકોટમાંથી 15 બાઈક ચોરી કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે ચોરાઉ બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાંથી વધતી જતી બાઈક ચોરી ડામવા માટે પોલીસ દ્વારા આ ચોરીઓને ભેદ ઉકેલવા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન હાલમાં જ થયેલી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બાઈક ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજો નિહાળતા બે શખ્સોની તસ્વીરોના આધારે પો.કો. હરદીપ બારડ અને યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી અને દરમિયાન બાતમી મુજબના બે શખ્સો બાઈક પર પસાર થતા બન્નેને આંતરીને નથુ ખીમા કોટા (રહે. ભૂપત આંબરડી, તા.જામજોધપુર) નામના શખ્સ અને પાછળ બેસેલા તરૂણની પૂછપરછ હાથ ધરતા આ બાઈક ચોરાઉ હોવાનું ખૂલ્યું હતું.
તેમજ પોલીસે સીસીટીવી ફૂટેજની તસ્વીરો સાથે મેચ તથા બન્ને તસ્કરોની પૂછપરછ હાથ ધરતા તેમણે જામનગર અને રાજકોટમાંથી એક ડઝનથી વધુ બાઈક ચોરી આચરી હોવાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને તસ્કરો પાસેથી 15 ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને તરૂણને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવા તથા તસ્કરના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.