ધ્રોલ તાલુકાના લતીપર ગામના બસ સ્ટેન્ડ પાસે ખાનગી લકઝરી બસને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.61,900 ની કિંમતની દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવતા પોલીસે બસ અને મોબાઇલ ફોન તથા દારૂ સહિત રૂા.7.15 લાખના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના ચાર શખ્સોને ઝડપી લઇ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભ હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ખાનગી લકઝરી બસમાં દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની જીજે-04-ઝેડ-0851 નંબરની લકઝરી બસ પસાર થતા આંતરીને તલાસી લેતા બસમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલો અને બીયરના 143 નંગ ટીન સહિત રૂા.61,900 ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો અને રૂા.3500 ની કિંમતના બે મોબાઇલ સાથે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના પ્રકાશ મગનસીંગ અજનાર, મુકેશ અંદરસીંગ બધેલ, કલીનર વિનુ છતર પરમાર અને નસરુ મેરચંદ બામનિયા નામના ચાર શખ્સોને રૂપિયા સાડા છ લાખની કિંમતની બસ અને દારૂના જથ્થા સહિત કુલ રૂા.7,15,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
પોલીસે દારૂ અને બીયરનો જથ્થો તથા બસ અને મોબાઇલ કબ્જે કરી ઝડપાયેલા ચાર શખ્સોની પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં અલીરાજપુર જિલ્લાના કઠીવાળા તાલુકાના ખટલ ગામના રાજુ આદિવાસીની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.