જામનગર શહેરના પોલીસ હેડકવાર્ટર નજીક આવેલા મારૂતિનગર વિસ્તારમાં બીમાર પિતાને જમાડી રહેલા યુવાન ઉપર બે શખ્સોએ લાકડી વડે આડેધડ માર મારી પત્થરનો ઘા ઝીંકી પતાવી દેવાની ધમકી આપી હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના હર્ષદમીલની ચાલી પાસે અગાઉ થયેલા ઝઘડાનો કેસ પરત ખેંચી લેવાની ના પાડતા યુવાન ઉપર ચાર શખ્સોએ ધોકા અને છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના પોલીસ હેડકવાર્ટર નજીક આવેલા મારૂતિનગર વિસ્તારમાં રહેતાં ઘોઘુભા ઉર્ફે શકિતસિંહ મનુભા જાડેજા નામના યુવાન મંગળવારે રાત્રિના સમયે તેના ઘર પાસે કેન્સર પીડિત પિતાને જમાડતા હતાં તે દરમિયાન કરણસિંહ અજીતસિંહ અને બ્રિજરાજસિંહ અજીતસિંહ નામના બે શખ્સોએ આવીને ઘોઘુભાને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી કરણસિંહે લાકડી વડે માર માર્યો હતો તથા બ્રીજરાજસિંહે છૂટા પત્થરોના ઘા મારી માથામાં ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતાં કાનજીભાઇ સોમાતભાઈ જોરિયા નામના યુવાનને દોઢ વર્ષ પૂર્વે વિનોદ ચૌહાણ સાથે થયેલા ઝઘડાનો કેસ ચાલતો હતો જેથી વિનોદે સોમવારે રાત્રિના સમયે આ કેસ પરત ખેંચી લેવાનું કહેતાં કાનજીએ ના પાડી હતી. જેથી વિનોદ રમેશ ચૌહાણ, વિજય ઉર્ફે જયલો રમેશ ચૌહાણ, મુકેશ રણછોડ ચૌહાણ અને રમેશ રણછોડ ચૌહાણ નામના ચાર શખ્સોએ એકસંપ કરી કાનજી ઉપર લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા કાનજી જોરિયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હેકો ડી.આર. કાંબરિયા તથા સ્ટાફે પિતા, બે પુત્રો સહિત ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે તપાસ આરંભી હતી.