કેન્દ્રીય નાણામંત્રી દ્વારા ગઇકાલે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં તેઓએ નવા નવા વાયદાઓનો વરસાદ કરવામાં ક્યાંય બાકી રાખેલ નથી. સામાન્ય વર્ગ અને મધ્યમવર્ગ અને ખેડૂતો માટે માત્ર આશ્ર્વાસન સિવાય કંઇ જ આપવામાં આવ્યું નથી.
જ્યારથી આ દેશમાં ભાજપ કેન્દ્રમાં સતારુઢ થયો છે. ત્યારથી દેશમાં અને રાજ્યોમાં રોજગારીની કટોકટી થઇ છે. દેશમાં યુવાનો રોજે-રોજ વધુને વધુ બેરોજગાર થઇ રહ્યાં છે.
એકબાજુ ભાજપની સરકાર સ્વનિર્ભરની વાતો કરે છે પણ સવાલ એ છે કે, લોકોને સ્વનિર્ભર થવું છે પણ રોજગારી ક્યાં? દેશના યુવાનોને ખોટા સપનાઓ બતાવવામાં આવી રહ્યાં છે. 60 લાખ નોકરી આપવાની વાતો કરે છે. જ્યારે સત્તામાં નહોતા આવ્યા ત્યરો બે કરોડ લોકોને નોકરી આપવાના વચનો આ દેશના પ્રધાનમંત્રીએ આપેલ હતું. ત્યારે આજે દેશમાં કરોડો યુવાનો નોકરીઓ માટે દર-દર ભટકી રહ્યાં છે. લાખો યુવાનો દેશ છોડી વિદેશની વાટ પણ પકડી રહ્યાં છે. આ યુવાનો પોતાના માતા-પિતાની જિંદગીની મરણ મૂડી બાળકોને ભણાવવામાં ખર્ચી નાખે છે. જ્યારે મધ્યમવર્ગનો યુવા વર્ગ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. તેમના પરિવાર પર કરના બોજ છે. બેરોજગાર શિક્ષીત યુવાનોની લાયકાત મુજબની રોજગારી મળતી નથી. તે આજની સૌથી મોટી સમસ્યા છે.
આ દેશના ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. તેઓને તેની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી. તેની સામે દવા-ખાતર-બિયારણ અનેક ગણા મોંઘા ભાવે ખરીદવા પડે છે. જો સરકાર આવાને આવા નિર્ણયો લેતી રહે છે તો દેશના ખેડૂતો પાયમાલ થઇ જશે. આવતા દિવસોમાં મેઇક ઇન ઇન્ડીયા, સ્કિલ ઇન્ડીયા અને વોકલ ફોર લોકલ જેવા સૂત્રો કાઢીને દેશની જનતાને અને યુવાનોને ગુમરાહ કરી રહી છે. સરકાર દ્વારા બજેટમાં ભારત દેશની નદીઓ જોડવાની વાતો થઇ રહી છે. ત્યારે ખરી જરુરીયાત નાની-નાની નદીઓ પર ડેમો બાંધવાની ઉપરાંત કેટલાંય ડેમોના અધુરા કામો છે તે પુરા કરવાની જરુરીયાત છે. કેટલાંય ડેમો કેનાલો ખૂબ જ જર્જરીત છે અને આ જર્જરીત ડેમો કેનાલોના પાણી ખેડૂતોના ખેતરોમાં ફેાલઇ ઉભા પાકને ભગાડે છે. તેને રિપેર કરવાની જરુરીયાત પહેલા આ કરો પછી મોટી-મોટી નદીઓ જોડજો.
કેન્દ્રની ભાજપ સરકારનું બજેટ વાયદા બજારથી વિશેષ કંઇ જ નથી. માત્ર આકડાઓની માયાજાળ છે. દેશની જનતાને કે યુવાનો, ખેડૂતોને આ બજેટથી કોઇ જ ફાયદો નથી. માત્રને માત્ર ઉદ્યોગપતિઓને વધુને વધુ માલામાલ બને અને ગરીબો વધુને વધુ ગરીબ થતાં જાય તેવું બજેટ કેન્દ્રની ભાજપ સરકારે આપ્યું છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ લોકોને આંબા-આંબલી બતાવવાથી વિશેષ દેશની જનતાને આ કેન્દ્ર સરકારના નાણામંત્રીએ કર્યું નથી. ‘યે હૈ ભારત કે પ્રધાનમંત્રી સપનો કે સૌદાગર’. તેમ અંતમાં વિક્રમભાઇ માડમ દ્વારા જણાવવામાં આવ્યું છે.