જામનગરમાં છેલ્લાં 24 કલાકમાં લઘુતમ તાપમાન 2.8 ડિગ્રી જેટલું ગગડી જતાં ફરી લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો 3.7 ડિગ્રી જેટલો ઉચકાયા બાદ ગઇકાલે શનિવારે લઘુતમ તાપમાન 11.9 ડિગ્રી નોંધાતા લોકોએ ઠંડીમાં આંશિક રાહત અનુભવી હતી. જોકે, આજે ફરીથી લઘુતમ તાપમાન સિગલ ડિઝીટમાં પહોંચી જતાં વાતાવરણ ઠંડુગાર બન્યુ હતું. લઘુતમ તાપમાનમાં થયેલા ઘટાડાને પગલે ઠંડીનું જોર વધ્યું હતું.
જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર રવિવારે સવારે પૂરા થતાં 24 કલાક દરમ્યાન મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 9.1 ડિગ્રી હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા તથા પવનની ગતી 3.8 કી.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી. લઘુતમ તાપમાન સિગલ ડિઝિટમાં પહોંચી જતાં લોકોએ કડકડટી ઠંડીનો સામનો કર્યો હતો. સાંજ પડતાં જ રસ્તાઓ તથા બજારો સુમસામ બનતી જોવા મળી રહી છે. કાંતીલ ઠંડીની જનજીવનની સાથે પશુપક્ષીઓ ઉપર પણ અસર જોવા મળી હતી. તો બીજી તરફ લોકોએ ઠંડીથી બચવા તાપણાનો સહારો લીધો હતો.


