સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન COVID-19ના કેસો મળી રહ્યા છે. તેની અસરોને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ફેલાવો અટકાવવા માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસ COVID-19ના ૫ પોઝીટીવ કેસ આવતા સદરહું વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા દેવભૂમિ દ્વારકાના નિવાસી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એમ.જાનીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે COVID-19ના ૫ પોઝીટીવ કેસ જ્યાં મળી આવ્યા છે તે ખંભાળીયામાં આવેલ હર્ષદપુર સોસાયટીના ૪ ઘરોની ૨૪ ની વસ્તીના તથા કલ્યાણપુર તાલુકાના નંદાણાના ૪ ઘરોની ૨૦ ની વસ્તી અને જૂવાનપુર કન્યાશાળાની બાજૂમાં ૩ ઘરોની ૧૯ ની વસ્તીના અને રામદેવપીર મંદિરની બાજમાં ૪ ઘરોની ૨૨ ની વસ્તીના તેમજ વીરપુર વાડી વિસ્તારના ૪ ઘરોની ૨૧ ની વસ્તીના સમગ્ર વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવે છે તથા આ વિસ્તારમાં આવશ્યક સેવાઓ અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ તથા તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃતિ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આરોગ્ય ટીમ દ્વારા ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ, કોન્ટેક્ટ ટ્રેસીંગ, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવાનુ રહેશે અને સબંધિત પોલીસ સ્ટેશન ઈન્ચાર્જએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તેમજ તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેડીંગ કરીને સંપૂર્ણ બંધ કરી આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે.
આમ, કન્ટેનમેન્ટ જાહેર કરેલ વિસ્તારમાંથી મેડીકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સાથે સંકળાયેલા પાસ ધારકો સિવાય કોઈ પણ વ્યક્તિ બહાર અવર-જવર કરી શકાશે નહીં. સરકારી ફરજ પરની વ્યક્તિઓ તથા વાહનો (સરકારી અને ખાનગી સહિત) આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ – વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ પાસ ધારકોને આ હુકમ લાગુ પડશે નહીં.
આ જાહેરનામાની અમલવારી તા.૦૧/૦૨/૨૦૨૨ સુધી કરવાની રહેશે.


