જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ માટે કોરોના કેસમાં ઘટાડા બાદ ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે અને જામનગર શહેરના વધુ 357 કેસ અને તે જ રીતે ગ્રામ્યમાં પણ વધુ 89 કેસ સહિત કુલ 447 કેસ નોંધાયા છે. જયારે જામનગર શહેરના 284 દર્દી અને ગ્રામ્ય વિસ્તારના 99 દર્દી સાજા થયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ વધ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ચાર દર્દીઓના મૃત્યુથી ફફડાટ મચી ગયો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં શહેરના 35 વર્ષનો યુવાન અને બે મહિલા તેમજ કાલાવડ પંથકના આધેડ સહિત 04 કોરોના ગ્રસ્ત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.
હાલમાં જી.જી.હોસ્પિટલમાં 74 દર્દીઓ સારવાર હેઠળ છેે. જિલ્લામાં બે દિવસ માટે કોરોના સંક્રમણ ઘટ્યું હતું, અને કોરોના સંક્રમિત થનારા દર્દીઓ કરતાં કોરોના મૂકત થનારા દર્દીની સંખ્યા વધુ હતી, પરંતુ તેમાં મંગળવારે ફરી ઉછાળો આવ્યો છે, અને જામનગર શહેરના વધુ 357 કેસ નોંધાયા છે, જોકે કોરોના મુક્ત થનારા દર્દીઓની સંખ્યા નો આંકડો પણ વધુ રહ્યો છે, અને વધુ 284 દર્દીઓને જામનગર મહાનગરપાલિકાએ કોરોના મુક્ત જાહેર કર્યા છે.
તે જ રીતે જામનગર ગ્રામ્યમાં પણ એક જ દિવસમાં કોરોના કેસનો આંકડો બમણો થઇ ગયો છે, છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 89 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત કોરોના મુક્ત થનારા દર્દીઓનો આંકડો તેનાથી વધુ રહ્યો છે, અને 89 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જી.જી. હોસ્પિટલ ના કોવીડ વિભાગમાં હાલ 74 દર્દીઓ કોરોના ની સારવાર મેળવી રહ્યા છે, ત્યારે ચાર દર્દીઓને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. સાથો સાથ મૃત્યુનો દર ચિંતાજનક રીતે વધી ગયો છે જેમાં જામનગર શહેરના 35 વર્ષના યુવાન અને બે મહિલા સહિત 3 દર્દીના મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. ત્યારે આજે સવારે કાલાવડ તાલુકાના લજાઇ ગામના એક આધેડનું પણ મૃત્યુ નિપજયું છે.
જામનગરમાં નીલકંઠ નગર વિસ્તારમાં રહેતા 62 વર્ષના વૃધ્ધા જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત જામનગરના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા 67 વર્ષના વૃધ્ધાએ જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. કોરોનાની ત્રીજી લહેર યુવા વર્ગ માટે પણ ઘાતક નીવડી રહી છે મંગળવારે સાંજે શહેરમાં રહેતા 35 વર્ષના યુવાને સરકારી કોવિડ હોસ્પિટલના બિછાને દમ તોડયો છે. જેથી યુવાવર્ગમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે તેને અન્ય બીમારી પણ હતી અને તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો છે. તેમજ આજે સવારે જામનગર જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં સારવાર લઇ રહેલા કાલાવડ તાલુકાના લલોઈ ગામના 65 વર્ષના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ છેલ્લા 24 કલાક દરમિયાન જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં વધુ 4 કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ થયા છે.