વૈશ્ર્વિક કોરોના મહામારીની બે લહેરનો સામનો કરી ચૂકેલા ભારતીયોને હવે ત્રીજી લહેરનો ડર સતાવી રહ્યો છે. દેશમાં કોરોનાના નવા કેસમાં અચાનક વધારો આવ્યો છે જેના પરિણામ સ્વરૂપે વિતેલા 24 કલાકમાં આશરે અઢી લાખની આસપાસ નવા કેસ સામે આવ્યા છે. આ આંકડો મે 2021 પછીનો સૌથી વધુ આંકડો છે. દેશમાં ઓમિક્રોનના વધી રહેલા ખતરા વચ્ચે રાજય સરકારો રાત્રિ કફર્યું અને વીકેન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો એકવાર ફરી લાગુ કરી રહ્યા છે. એવામાં સામાન્ય નાગરિકો પણ પેનિક શોપિંગનો શિકાર બનતા જોવા મળી રહ્યા છે.
ઘણા રાજયોમાં વીકેન્ડ લોકડાઉન અને કોરોનાના કડક પ્રતિબંધો લાગુ કરવાની શરૂઆત થતાં જ લોકો જીવન જરૂરિયાતની સામગ્રીનો સ્ટોક કરવા લાગ્યા છે. જેમાં બિસ્કિટ, ખાદ તેલ, પેકેજડ ફૂડ, ડેયરી ફૂડ, ડેયરી પ્રોડક્ટ અને માસ્ક તથા સેનેટાઇઝર જેવો સામાન સામેલ છે. જોકે કેન્દ્ર અને રાજય સરકારો પહેલેથી જ કહેતી આવી છે કે લોકડાઉન કે પ્રતિબંધો દરમિયાન પેનિક શોપિંગ કરવાની કોઇ જરુર નથી, જીવન જરૂરી ચીજવસ્તુઓને લગતી સેવાઓને ચાલુ રાખવામાં આવશે. આ બધા વચ્ચે તમિલનાડુમાં એક દિવસમાં વેચાયેલા દારૂના જથ્થાનો મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે. તમિલનાડુમાં દારુના શોખિન લોકોએ લોકડાઉનના ભણકારા વચ્ચે બહુ મોટો સ્ટોક કરી લીધો હોવાનું સામે આવ્યું છે. વિતેલા દિવસોમાં તમિલનાડુમાં નાઇટ કરફ્યુ અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જે પછી લોકોએ શનિવારે ઘરવખરીની ચીજો ખરીદવા માટે પડાપડી કરી હતી. એવામાં રાજયમાં એક દિવસમાં 210 કરોડ રુપિયાનો દારુ વેચાયાનો રેકોર્ડ બની ગયો છે. રેકોર્ડે વેચાણમાં માત્ર ત્રણ જ જિલ્લા કાંચીપુરમ, ચેંગલપત્તુ અને તિરુવલ્લુવરમાંથી જ 25 ટકાનું વેચાણ થયું છે. આ જિલ્લાઓના લોકોએ એક જ દિવસમાં 52 કરોડ રુપિયાનો દારુ સ્ટોક કર્યો છે. દારુના વેચાણની સાથે અહીં બિસ્કિટના વેચાણમાં 20 કા સુધીનો વધારો નોંધાયો છે. સૌથી મોટી કંપની પારલે જીનું માનીએ તો લોકડાઉનના સંકેત મળતાં જે બિસ્કિટના વેચાણમાં ઉછાળો આવ્યો છે. અહીં ગત અઠવાડિયે બિસ્કિટના વેચાણમાં 20 ટકાનો વધારો થયો છે. આ સિવાય ખાદ્યતેલના કુલ વેચાણમાં અહીં 15 ટકા અને દૂધ તથા એની પ્રોડકટની ડિમાન્ડમાં 200 ટકાનો વધારો થયો છે.