જામનગરના ન્યુરોસર્જન ડૉ. એ. ડી. રૂપારેલિયાના પુત્ર ન્યુરોસર્જન ડો. જીગીષ રૂપારેલિયાની ફેલોશીપ-એવોર્ડ માટે પસંદગી થતા જામનગર શહેરનું નામ વિશ્વ કક્ષાએ રોશન કર્યું છે.
જામનગરના જાણીતા ન્યુરોસર્જન ડૉ. એ. ડી. રૂપારેલિયાના પ્રતિભાવંત પુત્ર ન્યુરોસર્જન ડો. જીગીષે તાજેતરમાં એઇમ્સ, જોધપુર ખાતે ન્યુરોસર્જરીમાં એમ.સીએચ. પરીક્ષા ડિસ્ટીન્કશન માર્કસથી પાસ કરી છે.
એટલું જ નહિ, પરંતુ તાજેતરમાં અમેરિકન એસોસીએશન ઓફ ન્યુરોલોજીકલ સર્જરી તરફથી દર વર્ષે વિશ્વભરમાંથી એક હોનહાર ન્યુરોસર્જનનું ફેલોશીપ-એવોર્ડ માટે પસંદગી થાય છે અને તે માટે વિશ્વમાંથી જ્વલંત કારકિર્દીવાળા ઘણાં બધા ન્યુરોસર્જન અરજીઓ કરે છે. જેમાં ત્યાંની કમિટી તરફથી જટિલ પ્રક્રિયા તથા પરીક્ષાઓ બાદ ફક્ત એક ઉમેદવાર પસંદ કરે છે. જેમાં આ વર્ષે ડૉ. જીગીષની પસંદગી તેમની યોગ્યતા અને મેરીટના આધારે થઇ છે.
ઉપરાંત, આ ફેલોશીપ એવોર્ડમાં અમેરિકન એસોસીએસન તરફથી જ તમામ ખર્ચ કરવામાં આવે છે. જે દરમ્યાન, ડૉ. જીગીષ સ્કલબેઇઝ ન્યુરોસર્જરી તથા એન્ડોસ્કોપિક ન્યુરોસર્જરીની સબ-સ્પેશ્યાલીટીમાં જાણીતા ડૉ અનિલ નંદા પાસે વિશેષ તાલીમ મેળવશે. એટલુંજ નહિ, પણ બ્રેઈન ટયુમર મેનીન્જીયોમાની બીમારીને લગતા ત્યાંના તેમના પુસ્તકમાં આલેખન કરવા માટે પણ આમંત્રણ મળ્યું છે. ડૉ. જીગીષની આ સિદ્ધિ જામનગર માટે જ નહિ, પરંતુ તમામ ભારતીયો માટે પણ ગૌરવરૂપ કહી શકાય. કારણકે, વિશ્વમાંથી પસંદ થનાર તે અત્યાર સુધીમા પાંચમા ભારતીય છે. નિયમિત રીતે નેશનલ તથા ઈન્ટરનેશનલ મેડીકલ મેગેઝીનોમા ડૉ. જીગીષના પેપર્સ પબ્લીસ થતા રહે છે.
નાનપણથી જ અભ્યાસમાં આગવી હરોળ જાળવી રાખનાર જીગીષ ધોરણ સાત પછી ઉચ્ચ લક્ષ્ય સાથે ભારતની નામાંકિત દૂન સ્કૂલ (દહેરાદુન) ખાતે ત્રણ વર્ષ અને ત્યારબાદ બે વર્ષ કોટામાં ભણી એમબીબીએસ તથા એમએસ (સર્જરી) ની ડિગ્રી જીપમેર, પોંડિચેરી જેવી અગ્રણી મેડિકલ કોલેજમાંથી બે-બે ગોલ્ડ મેડલ સાથે મેળવી ત્યાં પણ પોતાની આગવી ઓળખ અને પ્રતિભાનો પરિચય બતાવ્યો હતો. ત્યાર બાદ પિતાના પગલે ન્યુરોસર્જન થવાનું જ પસંદ કરી પોતાની મહેનત તથા તૈયારીઓથી એઈમ્સ, જોધપુર ખાતે એમ.સી.એચ. (ન્યુરોસર્જરી)માં પ્રવેશ મેળવી ઉચ્ચ ગુણો સાથે ઉત્તીર્ણ થયા. એટલું જ નહીં, હવે પછી ભારતની પ્રથમ નંબરની મેડિકલ ઇન્સ્ટિટ્યુટ એઈમ્સ દિલ્હી ખાતે પણ તાજેતરમાં જ સ્કલબેઈઝ તથા વાસ્ક્યુલર ન્યુરોસર્જરીની ફેલોશીપ પરીક્ષામાં ઘણા બધા ઉમેદવારોમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જયાં પણ, માત્ર એક જ સીટ હતી. હવે ડૉ. જીગીષ એઈમ્સ, દિલ્હી તરફ પ્રયાણ કરશે.


