વિશ્વભરમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો હવે ફરી કેસ વધી રહ્યા છે. કોરોના સામે લડવા ભારતમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. વેક્સીનેશનની પ્રક્રિયાને 1 વર્ષ થવા આવ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે અત્યાર સુધી રસીકરણ પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો તે આંકડાઓ જાહેર કર્યા છે.
સરકારી ડેટા અનુસાર, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિનામૂલ્યે કોવિડ-19 રસી આપવા માટે માટે રૂ. 19675 કરોડનો ખર્ચ કર્યો છે.સરકારે કોવિડ-19 રસીકરણ માટે કેન્દ્રીય બજેટ 2021-2022માં રૂ. 35,000 કરોડની ફાળવણી કરી હતી.
સામાજિક કાર્યકર્તા અમિત ગુપ્તા દ્વારા દાખલ કરાયેલ આરટીઆઈ અરજીના જવાબમાં એ માહિતી આપવામાં આવે છે કે 20 ડિસેમ્બર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોરોનાની વેક્સિન માટે રૂ. 19675.46 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના કોવિડ-19 વેક્સિન એડમિનિસ્ટ્રેશન સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 મે થી 20 ડિસેમ્બર સુધીમાં સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (CVCs) પર 117.56 કરોડ એટલે કે 96.5 ટકા ડોઝ આપવામાં આવ્યા છે.ખાનગી CVCs પર લગભગ 4.18 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 139.70 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું કે તેઓ કોરોનાના આ નવા વેરિયન્ટને લઈને સાવચેત રહે અને કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહે.