કાલાવડ ગામમાં નગરપાલિકા પાસે રહેતો યુવાન તેના ટ્રકમાં મગફળીભરી જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતો હતો તે દરમિયાન ઉપરથી પસાર થતી 11 કે.વી. ઈલેકટ્રીક લાઈનને અડી જતાં વીજશોક લાગતા જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં નગરપાલિકા પાસેના વિસ્તારમાં રહેતો અફઝલ નુરમામદ સમા (ઉ.વ.38) નામનો યુવાન ગત તા.11 મી ના રોજ બપોરના સમયે ટ્રકમાં મગફળી ભરીને જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વાડીના સેઢેથી પસાર થતો હતો તે દરમિયાન ઉપરથી પસાર થતી 11 કે.વી. ઇલેકટ્રીક લાઈનમાં અકસ્માતે અડી જતાં વીજશોક લાગવાથી બેશુદ્ધ થઈ ગયેલા અફઝલને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રજાક સમા દ્વારા જાણ કરાતા એએસઆઈ જી.સી. અઘેરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.