જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામની સીમમાં આવેલી નદીમાં કપડાં ધોવા ગયેલી નાની બહેન પાણીમાં ડુબવા લાગતાં તેને બચાવવા ગયેલી તરૂણીનું ડૂબી જતાં મોત નિપજયું હતું. જામનગર તાલુકાના સિકકામાં મજૂરી કામ કરતા સમયે લોખંડની પ્લેટ માથે પડતા ગંભી ઘવાયેલા શ્રમિક પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના ભોજાબેડી તાલુકામાં રહેતી પાયલ સરસિયા અને તેની મોટી બેન આરતી સરસિયા બંન્ને રવિવારે બપોરના સમયે ગામની સીમમાં આવેલી નદીએ કપડાં ધોવા ગઇ હતી અને તે દરમ્યાન નદીમાં ન્હાવા પડેલી પાયલ પાણીમાં ડૂબવા લાગતાં આરતી તેની નાની બહેનને બચાવવા નદીમાં ઝપલાવ્યું હતું અને નાની બહેન પાયલને બચાવી લીધી હતી પરંતુ કમનસીબે આરતી બાવાભાઇ સરસિયા(ઉ.વ.13) નામની તરૂણીનું ડૂબી જવાથી મોત નિપજયું હતું. આ બનાવ અંગે ઓઘળભાઇ દ્વારા જાણ કરતાં હેકો પી.કે.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર તાલુકાના સિકકામાં કારાભુંગા વિસ્તારમાં રહેતાં અનવર ઓશમાણ સુંભણીયા(ઉ.વ.52) નામના પ્રૌઢ શનિવારે બપોરના સમયે સિકકા જેટી પાસેના દરિયા કિનારે મજૂરી કામ કરતા હતા તે દરમ્યાન અકસ્માતે ઉપરથી અચાનક લોખંડની પ્લેટ માથે પડતાં પ્રૌઢના કાનમાં અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજયું હતું. આ અંગેની મૃતકના પુત્ર અલ્તાફ દ્વારા જાણ કરાતા હેકો. સી.ટી.પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.