જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી યુવતીએ તૂટેલું સગપણ ફરીથી કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પૂર્વ મંગેતરે યુવતીને બાઇક પર લઇ જઇ ગળું દબાવી માથામાં પથ્થરથી ઘા ઝીંકી હત્યા નિપજાવી મૃતદેહને સળગાવી પૂરાવાનો નાશ કર્યાના બનાવમાં પોલીસે મૃતકના ભાઇની ફરિયાદના આધારે પૂર્વ મંગેતરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ હત્યામાં પૂર્વ મંગેતરના ભાઇની સંડોવણી ખુલતાં તેની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ વિસ્તારમાં રહેતી ભારતી નામની યુવતીને તેણીનો પૂર્વ મંગેતરે બાઇકમાં ઉઠાવી જઇ ગળું દબાવી માથામાં પથ્થર મારી હત્યા નિપજાવી મૃતદેહને સળગાવી પુરાવાનો નાશ કર્યાના બનાવમાં પીએસઆઇ સી.એમ.કાંટેલિયા તથા સ્ટાફે મૃતકના ભાઇના નિવેદનના આધારે પૂર્વ મંગેતર કરણ શંકર સાદિયા નામના શખ્સની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી અને હત્યાના આ બનાવમાં કરણને તેના નાનાભાઇ ભાવિક સાદીયાએ મદદગારી કરી હોવાની કેફિયત આપતાં પોલીસે ભાવિક નામના શખ્સની ધરપકડ કરી અને સમગ્ર હત્યા પ્રકરણના મુખ્ય આરોપીના બે મોબાઇલ ફોન તથા મદદગારી કરનાર ભાઇનો એક મોબાઇલ ફોન અને બંને મોટરસાયકલો ઉપરાંત બનાવના સમયે પહેરેલા કપડા કબજે કરાયા છે. સાથોસાથ પેટ્રોલ લઇ આવવા સહિતના અન્ય કેટલાક પુરાવાઓ એકઠાં કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.