જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતા અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતાં યુવાનને એક સપ્તાહ પૂર્વે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી એક શખ્સે યુવાનનું મંડપના સામાન ભરેલું ટાટા સફારી વાહન અને છોટા હાથી ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી બન્ને વાહનો સળગાવી નાખ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આંબા વાડી વિસ્તારમાં રહેતા અને મંડપનો વ્યવસાય કરતાં અશોક દેવાભાઇ પરમાર (ઉ.વ.45) નામના યુવાનને એક સપ્તાહ પૂર્વે મોટી ખાવડીના ભરત ઉર્ફે ‘તેરે નામ’ કાના રાઠોડ નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનદુ:ખ રાખીને ભરતે બુધવારે મધ્યરાત્રિના સમયે અશોકના ઘર પાસે રાખેલા મંડપનો સામાન ભરેલું જીજે-16-ડબલ્યુ-6077 નંબરનું છોટાહાથી વાહન અને જીજે-16-બીબી-3377 નંબરની ટાટા સફારી કાર ઉપર ભરતે કોઇ જ્વલનશીલ પદાર્થ રેડીને દીવાસળી ચાંપી સળગાવી નાખી આશરે અઢી લાખનું નુકસાન કર્યાના બનાવ અંગેની જાણ અશોક પરમાર દ્વારા કરવામાં આવતાં હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે ભરત વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


