ખંભાળિયામાં રહેતા અને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક બાવાજી શખ્સ સામે પોલીસ તંત્રએ પાસાનું શસ્ત્ર ઉગામી, આરોપીઓના પાસા મંજુર થતા તેને સુરતની જેલમાં મોકલી અંગેની કામગીરી કરવામાં આવી છે.
ખંભાળિયાના એસ.ટી. ડેપો પાસે રહેતા કૈલાશ ઊર્ફે કૈલો ખીમનાથ કંથરાય નામના 24 વર્ષના બાવાજી શખ્સ સામે તાજેતરમાં એક વેપારી યુવાનના પુત્રનો સોનાનો ચેન ઝુંટવી લેવા અંગેની ફરિયાદ થઈ હતી. આ ઉપરાંત અગાઉ પોલીસ પર હુમલા તથા પ્રોહીબીશન સહિતના જુદા-જુદા ગુનાઓ પણ નોંધાઈ ચુક્યા છે. જેથી આ શખ્સ દ્વારા આગામી ચૂંટણી સહિતના સમયગાળામાં સમાજમાં ભયનો માહોલ તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જાહેર વ્યવસ્થા ખોરવાય તેવી સંભાવનાઓ સાથે અહીંના પી.આઈ. પી.એમ. જુડાલ દ્વારા ઉપરોક્ત શખ્સ સામે પાસા અંગેના દસ્તાવેજો તૈયાર કરી, જિલ્લા કલેકટર સમક્ષ મુકવામાં આવતા આ દરખાસ્તને મંજૂરી મળી છે. જે સંદર્ભે પી.આઈ. જુડાલ સાથે એએસઆઈ દીપકભાઈ રાવલીયા, ગોવિંદભાઈ કરમુર, વિરેન્દ્રસિંહ જાડેજા, ભાવિન સચદેવ, વિગેરે દ્વારા જરૂરી કાર્યવાહી કરી, ઉપરોક્ત શખ્સની પાસા તળે વિધિવત રીતે અટકાયત કરવામાં આવી હતી અને આ શખ્સને સુરતની મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે.