જામનગરના અલિયા ગામે ઉભી રહેતી ટ્રેનોના સ્ટોપ રેલવે દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હોય, જેના પરિણામે આ વિસ્તારના લોકોને મુશ્કેલી પડી રહી હોય, આથી તાત્કાલિક ધોરણે ટ્રેનોને અલિયા ગામે સ્ટોપ આપી મુસાફરોને થતો અન્યાય દૂર કરવા જામનગર જિલ્લા પંચાયતના પૂર્વઉપપ્રમુખ વસરામભાઇ રાઠોડ દ્વારા પશ્ચિમ રેલવેના ડીઆરએમને પત્ર લખી રજૂઆત કરાઇ છે.
જેમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના શિક્ષણના હબ ગણાતા અલિયા ગામે વર્ષોથી સૌરાષ્ટ્ર મેલ, જનતા એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, પોરબંદર-મુંબઇ અને ઓખા-સોમનાથ તેમજ લોકલ ટ્રેનો ઉભી રહેતી હતી પણ ઘણા સમયથી રેલવે તંત્ર દ્વારા આ તમામ ટ્રેનોનો સ્ટોપ બંધ કરવામાં આવ્યા છે. અલીયા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગરીબ તેમજ મધ્યમ વર્ગ અને વેપારી વર્ગના મુસાફરોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. રેલવે ટ્રેનની મુસાફરી ખૂબ જ ઉપયોગી તેમજ આર્થિક રીતે પરવડે તેવી છે. તેમજ ઓખા-સોમનાથ ટ્રેન સોમનાથ દર્શને જતાં યાત્રીઓ માટે જે કેન્દ્ર સરકારનો યાત્રાધામને જોડવાનો જે સારો હેતુ છે. તે આ ગ્રામ્ય વિસ્તારના ધાર્મિક યાત્રાળુઓને લાભ મળતો નથી. વર્ષો પહેલા અલિયા રેલવે સ્ટેશન પર સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં 6 રિઝર્વેશન ટિકિટ કોટા હતા તે બંધ કરવામાં આવ્યા છે. તે તાત્કાલિક ચાલુ કરવા જોઇએ આ ટ્રેનોનો સ્ટોપ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તો અલીયા તેમજ અલીયા રેલવે સ્ટેશનના આજુબાજુના ગ્રામ્ય મુસાફરોને આનો લાભ મળશે અને કેન્દ્ર સરકારની રેલવે દ્વારા ગ્રામ્ય પ્રજાને સમયસર આર્થિક રીતે પરવડે તેવી મુસાફરી કરવાનો હેતુ વાસ્તવિક રીતે ઉપયોગી સાબિત થશે આથી અલીયા ગામે રેલવે સ્ટેશન પર ઉપરોક્ત ટ્રેનોને સ્ટોપ આપવા માંગણી કરાઇ છે.