જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલાં નિરમલનગરમાં રહેતાં નિવૃત પોલીસકર્મી સહિતના બે વ્યકિતઓના મકાનમાં તેમજ એક દુકાનમાં ગત્ રાત્રીના તસ્કરો ત્રાટકયા હતાં. એક સાથે ત્રણ સ્થળોએ થયેલા ચોરીના બનાવથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ગત માસમાં પણ પાંચ સ્થળોએથી ચોરીના બનાવ બન્યા હતાં. પોલીસે રામેશ્ર્વરનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા આજુબાજુના સીસીટીવી ફુટેજો તપાસ્યા હતાં.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં છેલ્લાં એક માસથી તસ્કરોનો રંજાડ વધી ગયો છે. નવેમ્બર માસ દરમ્યાન પાંચ સ્થળોએ ચોરીની ઘટનાઓ બની ગઇ છે અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જેમાં ગુરૂવારે રાત્રીના સમયે જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલા નિરમલનગરમાં રેહતાં નિવૃત પોલીસકર્મીના મકાન સહિત બે મકાનોમાં અને એક દુકાનમાં ચોરી અને ચોરીનો પ્રયાસ થયાની ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને નિવૃત પોલીસકર્મીના મકાન સહિતના ચોરીના સ્થળોએ તપાસ આરંભી હતી. તસ્કરોનું પગેરૂ મેળવવા પોલીસ ટીમે આજુબાજુમાં રહેલાં સીસીટીવીના ફુટેજો નિહાળ્યા હતાં અને આ ચોરીના બનાવમાં કેટલાની રોકડ અને માલમતાની ચોરી થઇ છે તે અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.