જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા બે ભાઈઓએ તેમની પત્ની સાથે મળી ખાનગી ફાયનાન્સ કંપનીમાં ગુનાહિત કાવતરૂં રચી વાહનની માલિકી અને હાઇપોથીકેશન સંબંધિત નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરી વાહનો પર ધિરાણ મેળવી રૂા. 43 લાખની છેતરપીંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલા અંબિકા ભુવનમાં રહેતાં દિપક દિનેશ રામાણી તેની પત્નિ નેહા દિપક રામાણી, તરુણકુમાર દિનેશ રામાણી તેની પત્નિ રાખીબેન તરુણકુમાર રામાણી નામના બે ભાઇઓએ તેમની પત્નિ સાથે મળીને પૂર્વઆયોજીત કાવતરુ રચી વર્ષ 2017ની સાલમાં ખોડિયાર કોલોનીમાં આવેલા જીકે કોમ્પ્લેકસમાં મણપ્પુરમ ફાઇનાન્સ લિ. કંપનીમાંથી જુદા જુદા છ ટ્રકોની ખરીદી કરી હતી અને આ કંપનીમાંથી ટ્રકો ઉપર ધિરાણ મેળવવા માટે વાહનોના દસ્તાવેજો રજૂ કર્યા હતાં. દરમિયાન આ વાહનો પૈકીનું એક વાહન બારોબાર વહેંચી નાખવામાં આવતાં ફાઇનાન્સ કંપનીમાં આ અંગેની જાણ થતાં કંપનીના લિગલ મેનેજર વિનોદ નાનાજી કદમ દ્વારા આ બંને દંપતિઓએ રજૂ કરેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતાં દસ્તાવેજો બોગસ હોવાનું ખુલ્યું હતું. જેના આધારે મેનેજરે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
ત્યારબાદ કંપનીના મેનેજરે ચારેય શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફે દિપક દિનેશ રામાણી, નેહા દિપક રામાણી, તરુણ દિનેશ રામાણી, રાખી તરુણ રામાણી નામના ચાર શખ્સો વિરુધ્ધ પૂર્વઆયોજિત કાવતરુ રચી, બોગસ દસ્તાવેજો ખરા તરીકે રજૂ કરી ફાઇનાન્સ કંપની સાથે રૂા. 43,20,476ની છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.