આજે ગુરૂનાનક જયંતિએ પ્રધાનમંત્રી મોદીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી સૌ ને ચોંકાવી દીધા છે. છેલ્લા એક વર્ષથી કૃષિ કાનૂન સામે આંદોલન કરી રહેલાં ખેડૂતો માટે મોદી સરકાર ઝૂકી ગઇ હોવાનું માની શકાય. પરંતુ પોલિટીકસના મહા ખેલાડી મોદીનો પાંચ રાજયોની ચૂંટણી પહેલાં આ માસ્ટર સ્ટ્રોક છે.
ખેડૂતો દ્વારા ત્રણ કૃષિ કાયદા વિરૂધ્ધ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી શાંતિપૂર્ણ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આખરે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતો સામે ઝૂકી ગઈ છે અને ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. શુક્રવારે ગુરૂ નાનક જયંતિના પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોના લાભ માટે જ આ ત્રણ કાયદા ઘડવામાં આવ્યા હતા પરંતુ દુર્ભાગ્યપૂર્વક અમે કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નથી. ત્રણ કૃષિ કાયદા ખેડૂતોને સશક્ત કરવા માટે લાવવામાં આવ્યા હતા ખાસ કરીને નાના ખેડૂતોને સક્ષમ બનાવવા આ કાયદા ઘડાયા હતા. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે ચાલુ વર્ષે સંસદના આગામી શિયાળ સત્રમાં જ ત્રમ કૃષિ કાયદા પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા હાથ ધરાશે.
પીએમ મોદીએ શુક્રવારે રાષ્ટ્રજોગ સંબોધન કરતા આ મહત્વની જાહેરાત કરી હતી. ખેડૂત સંગઠનોએ કેન્દ્રના આ નિર્ણયને પ્રાથમિક રીતે આવકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા એક વર્ષથી ખેડૂતો દિલ્હીની આસપાસની સરહદો પર ધરણા અને આંદોલન કરી રહ્યા છે.
વડાપ્રધાને આ સાથે જ ઝીરો બજેટ ખેતી પર ભાર આપતા જણાવ્યું કે, દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા, વૈજ્ઞાનિક પદ્ધતિથી પાકનું રોટેશન કરવા અને ટેકાના ભાવને પારદર્શી બનાવવા માટે એક વિસ્તૃત સમિતિની રચના કરવામાં આવશે જે ખેડૂતોને માર્ગદર્શન પુરું પાડશે.