‘ઉતાવળા સો બાવરા, ઘિરા સો ગંભીર હોય’ આ ઉકતીને જામ્યુકોના સત્તાધીશોએ બરાબર ચરિતાર્થ કરી છે. વિલંબ નીતિ માટે પંકાયેલા જામ્યુકોના સત્તાધીશોને શહેરમાં નોનવેજની લારી બાબતના નિર્ણયમાં કરાયેલો વિલંબ ફળ્યો છે. આ વિલંબ નીતિને કારણે તેઓ અન્ય મહાનગરોની જેમ વિવાદ અને હોબાળાથી બચી ગયા છે. આમેય જામનગર મહાપાલિકાના સત્તાધીશોને કયારેય કોઇ પણ બાબતે પહેલ કરવાની ટેવ નથી. સત્તાધીશોની આ ટેવ આ વખતે તેમને વિવાદ અને ધર્ષણથી બચાવી ગઇ છે.
શહેરમાંથી નોન-વેજની લારીઓ દૂર કરવાની રાજકોટ મહાપાલિકાએ કરેલી પહેલ બાદ આ ઝુંબેશમાં વડોદરા, જુનાગઢ, ગાંધીનગર, અમદાવાદ જેવી મહાપાલિકાના સત્તાધીશો ધડાધડ કુદી પડયા હતાં. મહાનગરોની આ જુંબેશને કારણે નોન-વેજની લારીઓ સામે લોકઅભિપ્રાય પણ બનવા લાગ્યો તેવા સમયે અન્ય મહાપાલિકાઓ સાથે જોડાય જવાને બદલે જામ્યુકોના સત્તાધીશોએ તેમની ટેવ મુજબ વિલંબ નીતિ અપનાવી. જામનગર શહેરમાંથી પણ નોન-વેજની લારીઓ સામે અવાજ ઉઠયા લાગ્યો. પરંતું મેયરે માત્ર એટલો જ પ્રતિભાવ આપ્યો કે વિચારણા બાદ નિર્ણય કરવામાં આવશે. છેલ્લાં બે ત્રણ દિવસથી જામ્યુકોના સત્તાધીશો પર પણ દબાવ બનવા લાગ્યો હતો. જેને કારણે ત્વરિત કોઇ નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સામાન્ય રીતે જામનગર મહાપાલિકા કોઇ હિંમત ભર્યા નિર્ણયો લેવા માટે જાણીતી નથી. ત્યારે ઇચ્છાશક્તિ વિહિન સત્તાધિશો અવઢવમાં મુકાય ગયા હતાં. તેવામાં ગઇકાલે મુખ્યમંત્રીએ આણંદમાં આપેલા નિવેદન અને આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આપેલાં નિવેદને જામ્યુકોના સત્તાધીશોની મુશ્કેલી આસાન કરી દીધી છે.નોન-વેજની લારીઓ હટાવવાના વિવાદમાં હવે જામ્યુકોના સત્તાધીશોએ નહીં ફસાવું પડે. એટલું જ નહીં તેઓની અનિર્ણાયકતા પર પણ પડદો પડી જશે. કેમ કે, રાજયમાંથી નોન-વેજની લારીઓ બંધ કરાવવાની કે દૂર કરાવવાની પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ ના પાડી દીધી છે.