જામનગર ખોડિયાર કોલોની નજીક આવેલા ગીતાંજલિ પાર્ક વિસ્તારમાં રહેતાં વૃદ્ધ સહિતના બે મકાનોમાંથી સોના-ચાંદીના અને રોકડ સહિત રૂા.62,000 ની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ખોડિયાર કોલોની નજીક આવેલી ગીતાંજલિ પાર્ક પ્લોટમાં નંબર 337/સી મકાન નં.3 માં રહેતા રાજીવ ચેટરજી નામના વૃધ્ધ વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને રૂા.9000 ની કિંમતની સોનાની બુટી તથા રૂા.43 હજારની રોકડ રકમ તેમજ અજીતભાઈના મકાનમાંથી પણ તસ્કરોએ ત્રાટકીને રૂા.4 હજારની રોકડ અને એક કાંડા ઘડિયાર તથા બ્લુટુથ સહિતની રૂા.62,000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. બે મકાનમાં થયેલી ચોરી અંગેની જાણ કરાતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.